હનુમાનજીનું મંદિર મુસ્લિમ વાડીમાં: ડુંગળી-બાજરાનો રોટલો ધરાવવાની પરંપરા

બુધવાર, 16 એપ્રિલ 2014 (11:09 IST)
ઝાલાવાડમાં વઢવાણનાં પ્રસિદ્ધ મેલડી માતાના મંદિરના રસ્તા પર આવેલા એક ખેતરમાં નાના દેરાંમાં આવેલા હનુમાનજી મંદિરના દર્શનાર્થે ભાવિક ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. નોંધનિય બાબત એ હતી કે, અહીં હિંદુ સાથે મુસ્લિમ બિરાદરોની મેદની પણ હનુમાનજીના દર્શને ઉમટી હતી અને કોમી એખલાસની લાગણી પ્રસરી હતી. અનેરી આસ્થાના પ્રતિકસમા ડુંગળિયા હનુમાજીનું ઝાલાવાડ પંથકમાં અલગ જ મહાત્મય છે. ડુંગળિયા હનુમાનજીનું મંદિર એક મુસ્લિમ બિરાદરની વાડીમાં આવેલું છે.
 
સ્થાનિક સૂત્રો દ્વારા મળતી વધુ માહિતી મુજબ, સુરેન્દ્રનગર જિલ્લામાં એક હજારથી વધુ નાનાં મોટાં હનુમાનજી મંદિર આવેલાં છે અને અહીં આજે હનુમાન જયંતી નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. વઢવાણ શહેરમાં સુપ્રસિદ્ધ નકટીવાવ મેલડી માતાજી મંદિરના રસ્તા પર ડુંગળિયા હનુમાન મંદિર આવેલું છે જે એક મુસ્લિમ બિરાદરના ખેતરમાં આવેલું છે. આ મુસ્લિમ પરિવાર ડુંગળિયા હનુમાનમાં શ્રદ્ધા રાખીને વંદન કરીને ખેતરમાં કામકાજ શરૂ કરે છે. અહીં હનુમાજીને ડુંગળી અને બાજરાનો રોટલો પ્રસાદીરૂપે ધરાવવાની પરંપરા છે. 

વેબદુનિયા પર વાંચો