શ્રાદ્ધનો મહિમા - ભગવાન રામ, કૃષ્ણ અને ઈન્દ્રે પણ પિતૃશ્રાદ્ધ કર્યું હોવાનો ઉલ્લેખ

બુધવાર, 30 સપ્ટેમ્બર 2015 (15:07 IST)
ભાદરવા સુદ પૂનમથી અમાસ સુધીના સોળ દિવસ એટલે શ્રાદ્ધના દિવસો. શ્રાદ્ધ એટલે શ્રદ્ધાપૂર્વક પિતૃઓનું ઋણ ચૂકવવાનો અવસર. પિતૃઓના શ્રેયાર્થે અને તેમના ઋણમાંથી મુક્ત થવા પિંડદાન, વસ્ત્રદાન, બ્રહ્મભોજન કરાવાય છે. આદિકાળથી અત્યાર સુધી તેનો મહિમા જળવાઈ રહ્યો છે, તે જ દર્શાવે છે કે કળિયુગમાંય શ્રાદ્ધવિધિમાં લોકોની શ્રદ્ધા જળવાઈ રહી છે.

ગરુડપુરાણમાં ગરુડ અને ભગવાન વિષ્ણુ વચ્ચે શ્રાદ્ધના સંવાદનો ઉલ્લેખ છે. ભગવાન કહે છે કે પિતૃઓનું શ્રાદ્ધ અવશ્ય કરવું જોઈએ. જે સમયાનુસાર શ્રધ્ધાથી પિતૃઓનું શ્રાદ્ધ કરે છે, તેમના કુળમાં કોઈ દુ:ખી નથી થતું અને સંતતિ, સંપત્તિ, યશ, બળ, કીર્તિની પ્રાપ્તિ કરે છે.’ દેવકાર્ય કરતાં પણ પિતૃકાર્યનું વિશેષ મહત્ત્વ દર્શાવાયું છે. એક કથા મુજબ સૌથી પહેલું શ્રાદ્ધ મહાભારતકાળમાં મહાઋષિ દત્તાત્રેયના તપસ્વી પુત્ર નિમીએ કર્યાનો દાખલો છે. નિમીનો શ્રીમાન નામનો પુત્ર મૃત્યુ પામ્યો હતો. તેની યાદમાં નિમીએ અનેક ચીજોનું દાન કરી તર્પણ કર્યું હતું. જોકે આ શ્રાદ્ધ અજાણતા જ થયું હતું તો એથીયે પહેલાં દશરથજીના અવસાન બાદ વનવાસ દરમિયાન ભગવાન રામે કંદમૂળથી પિતૃશ્રાદ્ધ કર્યું હતું.

આમ, શ્રાદ્ધ સાથે ધર્મકથા જોડાયેલી છે તો કેટલેક ઠેકાણે વિજ્ઞાનનો આધાર પણ મળી રહે છે. ભાદરવા મહિનામાં સામાન્ય રીતે પિત્તનો વ્યાધિ વધુ જોવા મળે છે એટલે આ દિવસોમાં ખીર જેવી ખાદ્યચીજો પિત્તપ્રકોપનું શમન કરે છે. એક આધાર મુજબ ભાદરવા માસમાં ચંદ્ર પૃથ્વીની નજીક આવે છે અને ચંદ્રલોકની બાજુમાં પિતૃલોક છે, તેથી આ સમય દરમિયાન જે કંઈ પિતૃઓને અર્પણ કરીએ છીએ તે તેમને મળી જાય છે. એ માટે કાગડાને વાશ નાખવામાં આવે છે, કેમ કે કાગડાઓને પિતૃઓના દૂત ગણવામાં આવે છે. કાગડાના સ્વરૂપે પિતૃઓ ઘરના ધાબા, અગાશી કે છાપરાં પર આવીને તેનો સ્વીકાર કરે છે અને તેમનાં બાળકોને આશીર્વાદ આપી જાય છે. બીજું કે કાગડા ક્યારેય એકલા ખાતા નથી. ક્યારેય એકબીજા સાથે લડતા-ઝઘડતા નથી અને ખાવાના ટાણે તેઓ કા... કા... કરીને તેના પૂરા પરિવારને બોલાવે છે. આમ તેમનો પરસ્પરનો પ્રેમ પણ માનવજાતને પ્રેરણા આપી જાય છે. ભગવાન શ્રીરામના દર્શન કરવા ઋષિરાજે કાગભુશંડજીનું રૂપ ધારણ કર્યું હતું.

શ્રાદ્ધ શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે કે સમજપૂર્વક પણ આજેય તેનો મહિમા એટલો જળવાઈ રહ્યો છે કે ભાવિકજનો દૂરનાં સ્થળોએ જઈને પણ તે વિધિ કરતા હોય છે. પુરુષોના શ્રાદ્ધ માટે ભારતમાં ગયાજી (બિહાર) અને સૌરાષ્ટ્રમાં પ્રભાસપાટણ શ્રેષ્ઠ ગણવામાં આવે છે, જ્યારે માતૃશ્રાદ્ધ માટે ઉત્તર ગુજરાતમાં સિદ્ધપુર શ્રેષ્ઠ સ્થળ માનવામાં આવે છે. આ ઉપરાંત પિતૃતર્પણ માટે નાસિક, ત્ર્યંબક, હરદ્વાર, પુષ્કર, ચાણોદ, માલસર અને નર્મદાતટને પણ ઉત્તમ સ્થળ માનવામાં આવે છે.

જોકે શ્રાદ્ધ વિશે એક એવી માન્યતા પણ છે કે શ્રાદ્ધ હંમેશાં ઘરમાં કરવું જોઈએ, અન્ય સ્થળે શ્રાદ્ધ કરવાથી પિતૃઓને તૃપ્તિ થતી નથી. ઉપરાંત શ્રાદ્ધ મધ્યાહ્નકાળે કરવું જોઈએ, રાત્રે કે સાંજે કદાપિ નહીં. જે ગૃહસ્થનું મોત શસ્ત્રઘાતથી થયું હોય તેમના પરિવાર માટે ચતુર્થીનું શ્રાદ્ધ શુભ ગણવામાં આવે છે. સામાન્ય રીતે જે દિવસે જ્યારે પિતૃનું અવસાન થયું હોય તે દિવસની તિથિ જ્યારે ભાદરવા મહિનામાં આવે ત્યારે શ્રાદ્ધ કરવામાં આવે છે. જો મહિલા હોય અને તેમની મૃત્યુતિથિ યાદ ન હોય તો તેમનું શ્રાદ્ધ નોમના રોજ કરવાનો રિવાજ છે.

કર્મકાંડી વિદ્વાનો માને છે કે માનવમાત્ર પર ત્રણ ઋણ હોય છે. દેવઋણ, પિતૃઋણ, અને મનુષ્યઋણ. આ ત્રણેય ઋણમાંથી માનવીએ મુક્ત થવું જોઈએ. જેમ શિવને પ્રસન્ન કરવા માટે શ્રાવણ માસ, વિષ્ણુની આરાધના માટે માગશર અને દેવીની આરાધના માટે આસો માસ ઉત્તમ છે. તેમ પિતૃઓને પ્રસન્ન કરવા માટે ભાદરવો માસ ઉત્તમ ગણાય છે. આ દિવસોમાં આપણું પાલનપોષણ કરનાર, વિદ્યા અને સંસ્કાર આપનાર પિતૃઓનું પિતૃઋણમાંથી મુક્ત થવા શ્રાદ્ધ કરવું જોઈએ.’ શાસ્ત્રોનો આધાર ટાંકતાં તેઓ જણાવે છે કે, અઢારે પુરાણમાં પિતૃપૂજન, તર્પણ અને સમર્પણનો મહિમા બતાવવામાં આવ્યો છે. આદિઅનાદિ કાળથી શ્રાદ્ધવિધિ કરવામાં આવી રહી છે. ભગવાન રામ, કૃષ્ણ અને ઈન્દ્રે પણ પિતૃશ્રાદ્ધ કર્યું હોવાનો ઉલ્લેખ છે.’

જ્યારે વાત શ્રદ્ધા અને સાબિતીની આવી પડે ત્યારે તેઓ ઉદાહરણ આપતા કહે છે કે, જેમ વિદ્યુતપ્રવાહ દેખાતો નથી છતાં આપણને પ્રકાશ તો મળે જ છે તેમ પિતૃ અને ઈશ્ર્વરમાં શ્રદ્ધા રાખીને આવાં કાર્યો યોગ્ય વિધિથી કરવામાં આવે તો તેનું ફળ અવશ્ય મળે છે. શ્રાદ્ધ દરમિયાન દીન-દુ:ખિયાઓને અન્ન-વસ્ત્ર અને દક્ષિણા આપવાથી પિતૃઓ તૃપ્ત થાય છે. અને પિતૃગણ સંતુષ્ટ થાય તો અવશ્ય તેનો લાભ આપણને મળે જ કેમ કે પિતા અને માતા દેવતુલ્ય છે

વેબદુનિયા પર વાંચો