આશીર્વાદ ફળતા કેમ નહીં હોય?

સોમવાર, 21 સપ્ટેમ્બર 2015 (18:02 IST)
આપણાં પુરાણોમાં વરદાન, આશીર્વાદ અને શ્રાપ વિશે ઘણી મનોરંજક અને રોચક કથાઓના વર્ણન આવે છે. દાખલા તરીકે નારદ મુનિએ આપેલા શ્રાપને કારણે વિષ્ણુ ભગવાને સામાન્ય માનવીની જેમ પોતાની પત્નીને શોધવા માટે દરદર ભટકવું પડયું હતું અને નારદ મુનિની મજાક કરવા બદલ મળેલા શ્રાપને કારણે વિષ્ણુ ભગવાનનાં દ્વારપાળનો જન્મ રાવણ અને કુંભકર્ણના રૂપમાં બ્રાહ્મણના દીકરા હોવા છતાં રાક્ષસ કુળમાં થયો હતો.

દુર્વાસા મુનિ પ્રચંડ જ્ઞાની હોવા છતાં ક્રોધ પર વિજય ન મેળવી શકવાને કારણે જરાઅમથી વાતે એમને વાકું પડતું અને જ્યારે એમને વાકું પડતું ત્યારે તેઓ ગમે એ વ્યક્તિ કે ભગવાનને શ્રાપ આપી દેતા.

દેવતાઓ જ્યારે ભક્તની ભક્તિથી ખુશ થતાં ત્યારે તુરંત જ વરદાન માગવાનું કહેતા અને ખુશ થયેલા બ્રહ્મા અને શંકર ભગવાને અનેક રાક્ષસોને ન આપવાના વરદાન આપી દીધા બાદ કેવી સમસ્યાઓ ઉદ્ભવતી અને કંઇ રીતે ભગવાન વિષ્ણુએ સામદામદંડભેદની નીતિ વાપરીને એ રાક્ષસોનો સંહાર કરવો પડતો એ કથાઓ પણ આપણે જાણીએ છીએ.

એ કથાઓ પરથી એક વાત જાણવા મળે છે કે એ વખતમાં ઋષીઓ હોય કે દેવતાઓ હોય એમના મુખમાંથી નીકળેલા શબ્દો અક્ષરસ: સાચા પડતા.

આજના જમાનામાં આપણે કોઇને વરદાન એટલે કે આશીર્વાદ આપીએ કે પછી આપણને કનડનારને શ્રાપ આપીએ, બંનેમાંથી એકેય વાત સાચી નથી પડતી. કયારેય તમે એ વાતનો વિચાર કર્યો છે કે આવું કેમ થતું હશે? આવો આજે આ લેખમાં આપણે એ બાબતનો વિચાર કરીએ કે શા માટે એવું થતું હશે?

એક વાતનો જવાબ આપો કે શું માત્ર ખુશ રહો કહેવાથી કોઇને ખુશી મળી શકે? તું નર્કમાં જઇશ? એમ કહેવાથી એ વ્યક્તિ નર્કમાં જશે એવું બને ખરું? જો એવું જ હોત તો દુનિયાની વ્યક્તિઓની ખુશી અને દુ:ખની પરિભાષા જ બદલાઇ ન ગઇ હોત.

કોઇને આપવામાં આવેલા શ્રાપ કે આશીર્વાદનું સત્યમાં પરિવર્તન માત્ર મૌખિક શબ્દોથી નથી થતું, પણ જો એ વાત આપણાં અંતર્આત્મામાંથી નીકળી હોય અને આપણી આત્મા એટલો શુદ્ધ, એટલો પવિત્ર અને શક્તિશાળી હોય તો એ જરૂર સાચા પડે છે. એ વાત જુદી છે કે ઘણીવાર આપણાં મોમાંથી અજાણતા નીકળેલા શબ્દો સાચા પડતા હોય છે અને ઘણીવાર આપણાં શબ્દો સાચા પડે છે, પણ એ વાતની આપણને જાણ નથી થતી.

કોઇએ આપણને આશીર્વાદ આપ્યા કે જાઓ તમારી બધી જ સમસ્યાઓ દૂર થઇ જશે અથવા કોઇએ તમને શ્રાપ આપ્યો કે તમારી સમસ્યાઓમાં વધારો થાય. અહીં પહેલી વાત તો એ કે આશીર્વાદ કે શ્રાપ આપનાર વ્યક્તિની આધ્યાત્મિક શક્તિ કેટલી વિકસિત છે અને બીજી વાત જે વ્યક્તિ આશીર્વાદ કે શ્રાપ મેળવી રહી છે એ વ્યક્તિને બોલનાર વ્યક્તિ પર કેટલો વિશ્ર્વાસ છે.

અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે ધારોકે મેં તમને આશીર્વાદ આપ્યા કે તમારું અમુક કામ એક મહિનામાં થઇ જ જશે, પણ તમને મારા પર વિશ્ર્વાસ જ ન હોય અને તમને એ વાત પર પણ વિશ્ર્વાસ ન હોય કે એ કામ એક મહિનામાં થઇ જશે તો પછી ભગવાન સ્વયં પણ એ કામ એક મહિનામાં પતાવી નહીં શકે.

એજ રીતે કોઇએ તમને શ્રાપ આપ્યો અને તમે એ વ્યક્તિની વાત પર વિશ્ર્વાસ કરો કે હવે એણે કહ્યું છે તો મારું તો આવી બન્યું તો પછી તમારું પોતાનું મન તમને એ દિશા તરફ ધકેલાશે અને તમે અભાન રીતે એ તરફ ખેંચાતા જશો. એટલે જ આપણાં પૂર્વજો કહી ગયા છે કે હંમેશ સારા અને સકારાત્મક વિચારો જ કરવા. જેવું વિચારશો એવું જ થશે.

આધ્યાત્મિક ગુરુઓના મતે જે વ્યક્તિ પોતાની ઇચ્છાશક્તિ વધારવા માગતી હોય એમણે નિયમિત રીતે મંત્રજાપ અને યોગની પ્રેકટિસ કરવી જોઇએ. જો તમે આધ્યાત્મિક રીતે વિકાસ સાધશો તો તમારા મુખમાંથી નીકળેલા આશીર્વાદ ફલિત થશે.

આપણા ઋષીઓ વૈજ્ઞાનિક હતા એ વાત હું તમને અનેકવાર જણાવી ચૂક્યો છું. એમણે એ વાત શોધી કાઢી હતી કે મંત્રજાપ કરવાથી આસપાસના વાયુમંડળમાં પ્રચંડ ઊર્જા પેદા થાય છે. તમે જ્યારે મંત્રજાપ કરો છો ત્યારે એના ધ્વનિથી તમારા શરીરમાં અમુક રાસાયણિક ફેરફાર થાય છે. સૌ પ્રથમ તો તમારું મગજ શાંત થાય છે અને તમારી બુદ્ધિ સતેજ થાય છે.

જ્યારે તમે માનસિક રીતે શાંત થાઓ છો, તો તમારી આધ્યાત્મિક શક્તિમાં આપોઆપ વધારો થાય છે. આધ્યાત્મિક શક્તિમાં આગળ વધેલા લોકો જ્યારે યોગાસન કરે છે, ત્યારે એમના શરીરમાં માનસિક સાથે શરીરિક શક્તિમાં પણ વધારો થાય છે. આ સાથે એમના શરીરમાં એક જાતની ઊર્જાનું નિર્માણ થાય છે.

યોગાસન, મંત્રજાપ અને ધ્યાન કરવાથી મનુષ્યનું ચિત્ત નિર્મળ થઇ જાય છે અને એ વ્યક્તિની સ્થિતિ આપોઆપ આશીર્વાદ ગ્રહણ કરવા જેટલી સક્ષમ થઇ જાય છે.

આશીર્વાદ આપનાર અને આશીર્વાદ લેનાર બંને વ્યક્તિઓમાં આધ્યાત્મિક શક્તિનો સમન્વય થવો જરૂરી છે. દેનાર વ્યક્તિએ મનથી પોતાના આશીર્વાદ ફળે એવી ભગવાનને પ્રાર્થના સાથે આશીર્વાદ આપવા જોઇએ અને આશીર્વાદ મેળવનાર વ્યક્તિએ આશીર્વાદ આપનાર વ્યક્તિની શક્તિ પર પૂર્ણ વિશ્ર્વાસ રાખીને એ લેવા જોઇએ.

હવે તમારે આશીર્વાદ મેળવવા હોય કે આશીર્વાદ આપવા હોય તો તમારી આધ્યાત્મિક શક્તિ વધારવાની શરૂઆત કરવી જોઇએ. આ માટે સાવ સરળ માર્ગ છે - મંત્રજાપ સાથે યોગાસન નિયમીત રીતે શરૂ કરો. આજના આ કોડીયુગમાં આશીર્વાદ મેળવવા એ બહુ લાભપ્રદ બાબત ગણાય. અસ્તુ.

વેબદુનિયા પર વાંચો