ચૂંટણી દરમિયાન ‘આપ' રાજ્‍યભરમાં સ્‍ટિંગ ઓપરેશનની મિસાઈલ છોડશે

શનિવાર, 15 માર્ચ 2014 (12:09 IST)
P.R
‘આપ'ના રાષ્‍ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગુજરાતની મુલાકાત દરમિયાન રાજ્‍યની તમામે તમામ ૨૬ બેઠક પરથી પક્ષ ચૂંટણી લડશે તેવી જાહેરાત કરી હતી. ‘આપે' ગઈ કાલે બનાસકાઠા અને સાબરકાઠા બેઠક માટે ઉમેદવાર જાહેર કરીને અત્‍યાર સુધીમાં કુલ ત્રણ બેઠક માટેના ઉમેદવાર જાહેર કર્યા છે. હવે ચૂંટણી દરમિયાન ‘આપ' રાજ્‍યભરમાં કરેલા સ્‍ટિંગ ઓપરેશન દ્વારા વિરોધીઓ ઉપર બેલાસ્‍ટિક મિસાઈલ છોડીને ચૂંટણી પ્રચારમાં ગરમાવો લાવશે.

અરવિંદ કેજરીવાલની સાથે દિલ્‍હીથી મનીષ સિસોદિયા, સંજયસિંહ, ગોપાલરાય સહિતના ૬૦ વ્‍યક્‍તિની ટીમ ગુજરાત આવી હતી. આ તમામ લોકોએ ગુજરાતમાં પ્રવાસ કર્યો હતો. આ પ્રવાસ દરમિયાન તેમને લોકોની પ્રાથમિક સુખાકારીનાં કામો અંગે સ્‍ટિંગ ઓપરેશન કરીને તેનો અહેવાલ તૈયાર કર્યો છે.

કેન્‍દ્રથી આવેલી ટીમને ગુજરાત એકમના જિલ્લા સ્‍તરના કાર્યકરોએ પણ સાથ આપ્‍યો હતો અને જિલ્લે જિલ્લે આ કાર્યકરો સ્‍ટિંગ ઓપરેશન હાથ ધર્યું હતું. ગુજરાતની આશરે ૨૧૩ ટીમે વિવિધ ક્ષેત્રમાં વીડિયોગ્રાફી કરીને સ્‍ટિંગ ઓપરેશન કર્યું હોવાનું જાણવા મળ્‍યું છે. ચૂંટણીના પ્રચાર દરમિયાન ‘આપ' જિલ્લે જિલ્લે કરાયેલા સ્‍ટિંગ ઓપરેશનનો બેલાસ્‍ટિક મિસાઈલ તરીકે ઉપયોગ કરીને વિરોધીઓ ઉપર પ્રહાર કરશે. તેમ પણ ‘આપ'ના સૂત્રો કહે છે.

દરમિયાન ‘આપ'ના પ્રદેશ કન્‍વિનર સુખદેવ પટેલ કહે છે કે પક્ષે કોઈ સ્‍ટિંગ ઓપરેશન કર્યું નથી, પરંતુ ખુલ્લે આમ લોકોની પ્રાથમિક સુખાકારીના સંદર્ભે જાત તપાસ કરી છે. પાણી, સિંચાઈ, વીજળીનાં ધાંધિયા, આંગણવાડી, શાળા-કોલેજની હાલત, અધ્‍યાપકોની સંખ્‍યા, દવાખાના, સફાઈ વગેરે આમ નાગરિકોને સ્‍પર્શતી જરૂરિયાત અંગે જે તે જિલ્લામાં જઈને તેની સ્‍થિતિ ચકાસાઈ છે. આ અંગેનો રિપોર્ટ તૈયાર કરાયો છે. ભાજપ સરકારના દાવાઓની સત્‍યતા તપાસાઈ છે.

વેબદુનિયા પર વાંચો