અમદાવાદની સાબરમતી સેન્ટ્રલમાં મોબાઈલ ફોન સહિત બીજા સંવેદનશીલ ચીજવસ્તુઓ પહોચાડવાનાં આરોપમાં પોલીસે બે વ્યક્તિઓની ધરપકડ કરી છે. જેમાં એક જેલનો કર્મચારી છે.
પોલીસે વારંવાર સાબરમતી જેલમાં દરોડો પાડીને કેદીઓ પાસેથી મોબાઈલ ફોન સહિત બીજી પ્રતિબંધિત ચીજવસ્તુઓ જપ્ત કરી હતી. આ કેસમાં પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં જેલની અંદર ટાઈપીસ્ટ કમ ક્લાર્ક તરીકે ફરજ બજાવતા અશોકભાઈ જાપડીયાનું નામ બહાર આવ્યું હતું.
પોલીસે અશોકભાઈ પર વોચ ગોઠવી હતી. જેમાં ગત તારીખ 16 ઓક્ટોબરનાં રોજ અશોકભાઈ સુભાષબ્રીજ નજીક તેના સંપર્કસુત્ર મહેમુદખાન ઉર્ફે કાજીયો રહેમત ખાન(રહે. શાહપુર)ને મળ્યા હતા. મહેમુદખાને અશોકભાઈને મોબાઈલ ફોન આપતાં ક્રાઈમ બ્રાંચનાં હાથે રંગેહાથ ઝડપાઈ ગયા હતાં.
આ બંને આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતાં. જ્યાં તેમને ચાર દિવસનાં રીમાન્ડ પર સોંપવામાં આવ્યા હતાં.
સાબરમતી જેલમાં આતંકવાદીઓ સહિત બીજા ખતરનાક આરોપીઓને રાખવામાં આવ્યા છે. અને, તે આરોપીઓ મોબાઈલ ફોનનો ઉપયોગ દેશદ્રોહી પ્રવૃત્તિમાં કરી રહ્યાં હોવાની વાત બહાર આવી હતી. જેને લઈને વિવાદ પણ ઉભો થયો હતો.
અશોકભાઈએ મોબાઈલ ફોન જેલમાં ખૂનની સજા કાપી રહેલાં નિયાઝહુસૈન માટે લઈ ગયા હતાં. નિયાઝહુસૈનની પણ પોલીસે અટક કરીને તેની 11 દિવસનાં પોલીસ રીમાન્ડ પર લેવામાં આવ્યો છે. આ કેસમાં સંડોવાયેલા વધુ લોકોની તપાસનાં અંતે ધરપકડ કરવામાં આવશે.