Facts of water : 10. સેમી વરસાદમાં ઈઝરાયલમાં અનાજની નિકાસ તો ભારતમાં કેમ અછત ?
P.R
૧૦ સે.મી. વરસાદમાં ઇઝરાયલ અનાજની નિકાસ કરે છે, ને ભારત ૫૦ સે.મી. વરસાદમાં ય અછતમાં અટવાય છે
દર દસ વ્યકિતએ બે વ્યકિતને પીવાનું શુદ્ધ પાણી મળતું નથી
પર્વતો પરનો બરફ ઓગળે તો સમુદ્રની સપાટી ૮૦ મીટર વધી જાય
વિશ્વમાં ધટતાં જતા પાણીના સ્ત્રોતની જળ નિષ્ણાંતો ચિંતા કરી રહ્યાં છે. જે રાષ્ટ્રીય સંસ્થા પાણી અંગે ચિંતા વ્યકત કરે છે તે વોટર મેનેજમેન્ટ ફોરમના ચેરમેન વી.બી.પટેલના મતે અમદાવાદમાં એક વ્યકિત એક મિનરલ વોટરની બોટલ ન ખરીદે તો તેની કિંમતમાંથી મ્યુનિસિપલ કોર્પોરેશન એક પરિવારને ૨૪,૦૦૦ લીટર પાણી આપી શકે. વિશ્વમાં દર ૧૦ વ્યકિતએ બે વ્યકિતને પાવીનું શુદ્ધ પાણી નસીબ નથી ત્યારે પ્રતિવર્ષે છ અબજ લીટર બોટલ પેક પાણી માનવીઓ દ્વારા પીવાય છે. પાણીના સ્ત્રોત ગણાતી નદીઓનું વધતું જતું પ્રદૂષણ રોકવા નિષ્ણાંતો ઉપાય શોધી રહ્યાં છે પરંતું જ્યાં સુધી કાયદામાં કડકાઇ ન આવે ત્યાં સુધી વધુને વધુ વસતિને દૂષિત પાણી પીવાનો વારો આવશે.
* પૃથ્વીનો કુલ વિસ્તાર ૫૧ કરોડ ચોરસ કિલોમીટર છે તેમાંથી ૩૬ કરોડ ચોરસ કિલોમીટર વિસ્તાર પાણીએ રોકયો છે. ચંન્દ્ર પરના ધ્રુવ પ્રદેશોમાં ૩૦ કરોડ ટન પાણી હોવાનો અંદાજ છે.
* પૃથ્વી પરના કુલ પાણીમાં તાજા પીવાલાયક પાણીનું પ્રમાણ ઘણું ઓછું છે. ૯૭ ટકા હિસ્સો તો સમુદ્રનો છે. બાકી રહેલાં ત્રણ ટકા પાણીમાં બે ટકા જેટલું તો પર્વતો અને ધ્રુવો પર બરફ સ્વરૂપે જોવા મળે છે જેનો કોઇ ઉપયોગ નથી.
* પૃથ્વી પરના કુલ પાણીના જથ્થાના લગભગ બે ટકા પાણી જે પર્વતો પર બરફ તરીકે રહેલું છે. આ છ કરોડ ઘન કિલોમીટરનો બરફ જો પીગળી જાય તો આપણાં મહાસાગરોની સપાટી ૮૦ મીટર વધી જાય.
* પૃથ્વી પરની તમામ વનસ્પતિ પણ પાણી જન્ય છે. બટાટામાં અને પાઇનેપલમાં ૮૦ ટકા તેમજ ટામેટામાં ૯૫ ટકા પાણી છે.
* પીવા માટે માણસને દરરોજ ત્રણ લીટર અને પશુને ૫૦ લીટર પાણી જોઇએ. એક લીટર ગાયનું દૂધ મેળવવા માટે ૮૦૦ લીટર પાણી વાપરવું પડે જ્યારે એક કિલોગ્રામ ઘઉં પકવવા એક હજાર લીટર અને એક કિલોગ્રામ ચોખા માટે ચાર હજાર લીટર પાણીની આવશ્યકતા છે.
* એક સર્વેક્ષણ મુજબ વિશ્વના દેશોની સરખામણીએ ભારતમાં પાણીનો માથાદિઠ સરેરાશ વપરાશ ક્રમ ૧૩૩મો અને પાણીની ગુણવત્તાનો ક્રમ ૧૨૨મો છે.
* ભારતમાં ૮૩ ટકા પાણી ખેતી અને સિંચાઇ માટે વપરાય છે ગુજરાતમાં તેનું પ્રમાણ ૮૯ ટકા છે. ગુજરાતમાં સાત ટકા વપરાશ ઘરગથ્થું છે. બે-બે ટકા વપરાશ ઔઘોગિક અને પશુપાલન માટે છે.
* પૃથ્વીના ૭૫ ટકા જેટલા વિસ્તાર પર પડતા વરસાદનું પાણી ૮૦ ટકા થાય છે તે સમુદ્રમાં વહી જાય છે. બાકીના ૨૫ ટકા વિસ્તાર પર પડતો ૨૦ ટકા વરસાદ પાણીનો સ્ત્રોત બને છે. વરસાદરૂપે આકાશમાંથી આપણને ૩૭ કરોડ હેકટર મીટર (એક હેકટર મીટર એટલે એક હેકટર વિસ્તારમાં એક મીટરની ઉંચાઇ સુધીના પાણીનો ભરાવો) પાણી મળે છે.
* વરસાદરૂપે મળતાં પાણીમાંથી ૪૮ ટકા જથ્થો ત્રણ માર્ગે પાછો જાય છે. (૧) નદી નાળાં અને અન્ય પ્રવાહો (૨) અમુક જથ્થો જમીનમાં ઉતરે છે જે વનસ્પતિને મળે છે. અને (૩) ડેમ, સરોવર અને નદીઓમાં સંગ્રહાયેલું પાણી બાષ્પીભવનથી સીધું વાતાવરણમાં ભળે છે. બાકી વધેલાં ૫૨ ટકા પાણીને સમુદ્રમાં જતું રોકી શકાય તેમ છે.
* વિશ્વમાં ૧.૪ અબજ જનસંખ્યાને સ્વચ્છ અને સલામત પીવાનું પાણી ઉપલબ્ધ નથી.
* પાણીજન્ય રોગોથી વિશ્વમાં વર્ષે ૨૨ લાખ લોકો મૃત્યુ પામે છે.
* છેલ્લી સદીમાં વિશ્વની વસતિ ત્રણ ગણી થઇ છે જેની સામે પાણીનો વપરાશ છ ગણો થયો છે.
* વધુ પ્રમાણમાં ભૂગર્ભ જળ ખેંચી લેવાથી મેકિસકો જેવા શહેરોમાં મકાનો જમીનમાં નીચે ઉતરી જાય છે.
* દર ૧૦ વ્યકિતએ ૯ વ્યકિત પાસે પ્રદૂષિત પાણી શુદ્ધ કરવાના સાધનો નથી.
* સિંગાપુર અને ઇઝરાયલ જેવાં દેશો જ્યાં માથાદીઠ પાણી વપરાશ ખૂબ ઓછો છે છતાં કાયદા અને કાનૂનો થકી પાણીની યોગ્ય કિંમત વલૂલવાની પ્રક્રિયા મજબૂત હોવાથી સમૃદ્ધિ હાંસલ કરી શકાઇ છે.
* વિશ્વમાં મોટા બંધો અને ડેમોની સંખ્યા ૨૫,૪૦૦ની છે જે મહદૂઅંશે ખેતી અને સિંચાઇ માટે ઉપયોગમાં આવે છે.
* ભારતમાં ૨૦૫૦ સુધીમાં વધુ ૧૦,૦૦૦ બંધોની આવશ્યકતા રહેશે.
* વિશ્વમાં ૧૯૭૧ થી ૧૯૯૫ દરમ્યાન પૂરની અસર ૧.૫ અબજ લોકોને થઇ હતી જેમાં ૩.૧૮ લાખ લોકોનાં મરણ થયાં છે અને ૮.૧૦ કરોડ લોકો બેઘર બન્યાં હતાં.
* પુરની આપત્તિથી ભારતમાં વર્ષે સરેરાશ ૧૫૨૯ માનવો અને ૯૮ હજાર ઢોરનો વિનાશ થાય છે.
* બ્રહ્મપુત્રા નદી પ્રતિદિન ૨.૧૬ ઘનમીટર પાણી બંગાળના ઉપસાગરમાં ઠાલવી દે છે.
* ૨૦૧૦ સુધીમાં ગ્લોબલ સમુદ્રની સપાટી ૪૮૦ મીલીમીટર ઉંચી આવી જશે, જે ૨૦મી સદીમાં સમુદ્રની વધેલી ઉંચાઇ કરતાં બે થી ચાર ગણી હશે.
* મુંબઇ શહેરમાં વાહનો ધોવા માટે ૫૦ લાખ લીટર પાણી વપરાય છે.
* દિલ્હી, મુંબઇ અને ચેન્નાઇ જેવાં શહેરોમાં ગળતી પાઇપલાઇનો તેમજ વાલ્વના કારણે ૧૭ થી ૪૪ ટકા પાણી નકામું વીહ જાય છે. આવો પાણીનો વ્યય માથાદીઠ દૈનિક ૧૬ થી ૯૨ લીટર જેટલો થાય છે.
* ૫.૫ થી ઓછા તથા ૯.૦૦ થી વધારે પીએચવાળું પાણી તેની અંદર રહેલી જીવસૃષ્ટીનો નાશ કરવા સક્ષમ છે.
* પ્રતિ લીટર ૨૦૦૦ મીલીગ્રામથી વધુ માત્રામાં જો કુલ ક્ષાર હોય તો પશુઓ અને પ્રાણીઓમાં બેચેની ઉભી કરે છે. ઉઘોગોની બોઇલર ટયુબોને નુકશાન કરે છે. વધારે ટીડીએસવાળું પાણી માનવીમાં કીડની, લીવર અને ગોલ બ્લેડરમાં પથરીનું પ્રમાણ વધારે છે અને હાડકાંને વિપરિત અસર કરે છે.
* વાર્ષિક માત્ર ૧૦ સે.મી. કરતાં પણ ઓછા વરસાદ ધરાવતાં ઇઝરાયલ દેશમાં નિકાસ કરી શકાય તેટલું અનાજ ઉત્પન્ન થાય છે જ્યારે ભારતમાં ૫૦ સે.મી. કરતાં પણ વધુ વરસાદ થાય છે છતાં આપણે અછતમાં અટવાઇએ છીએ.