ભારતમાં શિવને લગતાં ઘણા બધા ઉત્સવો ઉજવવામાં આવે છે. જેમાં શ્રાવણ માસ પણ તેનું વિશેષ મહત્વ રાખે છે. આખા શ્રાવણ માસ દરમિયાન ચાર સોમવાર, એક પ્રદોષ તેમજ એક શિવરાત્રી આ બધા યોગ એકસાથે શ્રાવણ મહિનામાં ભેગા થાય છે તેથી તે વધારે ફળ આપનાર છે. આ મહિનાના દરેક સોમવારે શિવમૂઠ ચડાવવામાં આવે છે. જે આ પ્રકારે છે-
પહેલા સોમવારે કાચા ચોખા એક મુઠ્ઠી, બીજા સોમવારે સફેદ તલ એક મુઠ્ઠી, ત્રીજા સોમવારે આખા મગ, ચોથા સોમવારે જવ એક મુઠ્ઠી.
મહિલાઓ શ્રાવણ માસમાં વિશેષ પૂજા અર્ચના તેમજ વ્રત પોતાના પતિની લાંબી ઉંમર માટે કરે છે. અને તેમાંય વળી બધા જ વ્રતોમાંથી સોળ સોમવારનું વ્રત ખુબ જ શ્રેષ્ઠ છે. આ વ્રતને વૈશાખ, શ્રાવણ, કારતક, અને માગશર મહિનાના કોઇ પણ સોમવારથી ચાલુ કરી શકાય છે. આ વ્રતની સમાપ્તી સત્તરમા સોમવારે સોળ દંપત્તીને ભોજન તેમજ કોઇ બીજું દાન આપીને થાય છે.
શિવનો અગીયારમો અવતાર હનુમાનના રૂપમાં થયો હતો. આખા શ્રાવણમાસ દરમિયાન શિવભક્તો દ્વારા શિવપુરાણ, શિવલીલામૃત, શિવ કવચ, શિવ ચાલીસા, શિવ પંચાક્ષર મંત્ર, શિવ પંચાક્ષર સ્ત્રોત, મહામૃત્યંજય મંત્રનો પાઠ તેમજ જપ કરવામાં આવે છે. શ્રાવણ માસમાં આ કરવાથી વધું ફળ મળે છે.