ગુજરાતમાં અનુભવાશે ફૂલ ગુલાબી ઠંડીનો ચમકારો, શિયાળો પણ લાંબો ચાલશે
સોમવાર, 25 નવેમ્બર 2019 (12:46 IST)
રાજ્યમાં ધીરે-ધીરે શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે અને આગામી દિવસોમાં રાજ્યભરમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. ઉત્તર ભારતમાં 25 થી 26 નવેમ્બર સુધી હિમવર્ષાની આગાહીને પગલે 28મી નવેમ્બરના મધ્ય ગુજરાત અને દ. ગુજરાતમાં કાતીલ ઠંડી પડશે અને આ વર્ષે શિયાળો લાંબો ચાલવાનો છે તેમજ ઠંડી પણ જોર પડવાની છે. આ વર્ષે શિયાળો ફેબ્રુઆરીને બદલે માર્ચ-એપ્રિલ સુધી લંબાવવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ વર્ષે ચોમાસુ લાંબુ ચાલ્યું છે જેની અસર ઠંડીની ઋતુ પર પણ જોવા મળશે. ઠંડીમાં હિમાલયના દક્ષિણ હિસ્સામાં વેસ્ટર્ન ડિસ્ટબન્સની સંખ્યા વધી શકે છે. ડિસેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન આવા 4-5 ડિસ્ટબન્સ આવતા પહાડો પર હિમવર્ષા થઈ શકે છે. જેથી મેદાની રાજ્યોમાં ઠંડીનો ચમકારો જોવા મળશે અને આ વર્ષે રેકોર્ડ બ્રેક ઠંડી પડશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, હિમાલયમાં આગામી તા. 25-26 સુધી સતત હિમવર્ષા જોવા મળે તેવી શક્યત છે. જેને લઈને આગામી 28 નવેમ્બર સુધીમાં સમગ્ર ઉત્તર ભારત અને મધ્ય ભારતમાં કડકડતી ઠંડી પડવાની શરૂઆત થઈ જશે. આ વર્ષે દેશમાં માર્ચ મહિના સુધી ઠંડીનું જોર રહેશે. ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆર મહિનામાં અતિશય ઠંડી પડે તેવી સંભાવના છે.