આજે વાતાવરણ ચોખ્ખુ થતા જ મુખ્યમંત્રી પોતાના પ્રથમ પ્રવાસે જામનગરના પૂરગ્રસ્ત વિસ્તારમાં પહોંચ્યા હતા. તેઓની સાથે જામનગરના સાંસદ પૂનમબહેન માડમ, ધારાસભ્ય રાઘવજી પટેલ, રાજ્યકક્ષાના મંત્રી હકુભા જાડેજા સહિત ભાજપના આગેવાનો જોડાયા હતા.સોમવારે આવેલા પૂરના કારણે ધુંવાવ ગામમાં ભારે ખાનાખરાબી સર્જાઈ હતી. ગામના 50 ટકા વિસ્તારમાં પાણી ઘૂસી ગયું હોવાના કારણે લોકોની જીવન જરુરિયાતની ચીજવસ્તુઓ બગડી હતી અથવા તો પાણીમાં તણાઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જામનગર આવ્યા બાદ આજે સીધા જ ધુંવાવ ગામની મુલાકાતે પહોંચ્યા હતા. અહીંની પૂરના કારણે થયેલા નુકસાનની સ્થિતિની સમીક્ષા કરી હતી.સોમવારે ધુંવાવ ગામમાં પૂર આવ્યું હોવાના કારણે ઠેર ઠેર કાદવ કીચડનું સામ્રાજય છે. ત્યારે ધુંવાવ ગામમાં આવેલા મુખ્યમંત્રી પગે ચાલીને જ લોકોને સાંભળવા માટે પહોંચ્યા હતા. અહીં લોકોના મુખે જ લોકોની આપવીતી સાંભળી હતી. લોકોને સાંભળ્યા બાદ મુખ્યમત્રી દ્વારા સરકાર તરફથી તમામ બનતી મદદ કરવાની ખાતરી આપવામા આવી હતી.