તાપી-પાર રિવર લિંક પ્રોજેક્ટનો વિરોધ કરવા હજારો આદિવાસીઓ ગાંધીનગર પહોંચ્યા

શુક્રવાર, 25 માર્ચ 2022 (12:31 IST)
દક્ષિણ ગુજરાતમાં કેન્દ્ર સરકાર દ્વારા સૂચિત પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટનો આદિવાસીઓ દ્વારા દિવસેને દિવસે વિરોધ મોટું સ્વરૂપ લઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. આજે અંદાજીત 50થી વધુ બસો અને નાના મોટા વાહનોમાં આદિવાસીઓ ગાંધીનગર સત્યાગ્રહ છાવણીએ પહોંચ્યા છે.

ગાંધીનગરમાં એકતરફ વિધાનસભા ચાલી રહેલા બજેટ સત્ર અંતિમ તબક્કામાં છે. ત્યારે તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટ સહિત આદિવાસીઓનાં પડતર પ્રાણ પ્રશ્નો અને માંગણીઓને લઇને કોંગ્રેસ દ્વારા ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આદીવાસી સંમેલન યોજીને ભાજપા સરકારને ઘેરવા એકઠા થયા છે. જેમાં 14 જિલ્લાના સંગઠનોના આગેવાનો હાજર છે. જેનાં પગલે ગાંધીનગર પોલીસનો કાફલો ઠેર ઠેર ગોઠવી દઈ ચુસ્ત પહેરો કરી દેવામાં આવ્યો છે.છોટુ વસાવા સાથે વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ સહિતના આગેવાનો જોડાયા ​​​​​છે. દક્ષિણ ગુજરાતમાં આદિવાસી સમાજના લોકોની જમીન રાજ્ય સરકારે વિવિધ પ્રોજેક્ટ હેઠળ લઈને પુરતું વળતર પણ આપવામાં આવ્યું નથી. ત્યારે તેમને ન્યાય અપાવવા માટે કોંગ્રેસે ગાંધીનગરમાં આદીવાસી સંમેલન કરવામાં આવ્યું છે. આદિવાસીઓને જંગલ વિસ્તારથી દૂર કરવાનું સરકાર ઘડી રહી હોવાના વિપક્ષ દ્વારા આક્ષેપો કરીને ભાજપા સરકાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટ અંગે શ્વેત પત્ર બહાર પાડવાની પણ માંગણી કરાઈ છે.આજના સંમેલનમાં કોંગ્રેસના ધારાસભ્યો અને વિવિધ જિલ્લાના કાર્યકરો અને પદાધિકારીઓ ઉપરાંત મોટી સંખ્યામાં આદીવાસી બંધુઓ ઉપસ્થિત રહેવા લક્ઝરીઓમાં આવી રહ્યા છે. આદિવાસી સમાજનું કહેવું છે કે, આદિવાસીઓની જંગલ વિસ્તારમાં દવાખાનાની બિસ્માર હાલત છે. પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ નથી એવામાં વિવિધ પ્રોજેક્ટ હેઠળ સમાજની જમીન પચાવી પાડવામાં આવી રહી છે.આ ઉપરાંત આદિવાસી સમાજના અન્ય પ્રાણ પ્રશ્નો સામે સરકારે ઉપેક્ષાભાવ પ્રગટ કર્યો છે તેનો પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે. મોટી સંખ્યામાં કોંગ્રેસી અને આદિવાસી ભાઇઓ અહીં ઉપસ્થિત રહેવા ઉપરાંત વિધાનસભા સત્ર હાલ ચાલુ હોવાને કારણે પોલીસ પણ એલર્ટ થઇ ગઇ છે. કોંગ્રેસ વિધાનસભાનો ઘેરાવો ન કરે તે માટે થોડા થોડા અંતરે બેરીકેટ્સ મુકી દેવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ગાંધીનગર આવતા વાહનોમાં પણ ચેકીંગ હાથ ધરવામાં આવે છે. તો મહિલા પોલીસ પણ બંદોબસ્ત માટે આ વખતે વધુ બોલાવી દેવામાં આવી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર