સાબરમતી જેલમાંથી વિશાલ ગોસ્વામી દ્વારા ચલાવાતા ખંડણી રેકેટનો પર્દાફાશ
ગુરુવાર, 16 જાન્યુઆરી 2020 (14:03 IST)
આતંકવાદી કૃત્યો અને ઓર્ગેનાઈઝ ક્રાઈમ કરતા ગુનેગારોને અંકુશમાં લેવા બનાવાયેલા ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ ક્રાઈમ (જીસીટીઓસી) એક્ટ હેઠળ સૌપ્રથમ ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં કુખ્યાત ગેંગસ્ટર એવા ખંડણીખોર વિશાલ ગોસ્વામ દ્વારા જેલમાંથી મોબાઈલ મારફતે ચલાવાતા ખંડણી રેકેટનો ક્રાઈમ બ્રાંચે પર્દાફાશ કર્યો હતો. જેલમાંથી ગોસ્વામી પોતે તથા પોતાના જેલ બહાર રહેલા સાગરીતોની મદદથી વેપારીઓને ખંડણી માટે ધમકી આપતો હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી છે. અભેદ્ય સુરક્ષાના દાવા વચ્ચે સાબરમતી જેલમાંથી પોલીસે ગોસ્વામી અને તેના બે સાગરીતો પાસેથી ત્રણ મોબાઈલ કબજે કર્યા હતા. જ્યારે જેલ બહાર રહેલા તેના ચાર સાગરીતોની પોલીસે ધરપકડ કરીને ૨૦ મોબાઈલ, રોકડ રકમ, પિસ્ટલ, ૪૦ કારડુસ, કાર અને બાઈક કબજે કર્યા હતા. વેપારીઓને ધાકધમકી આપી ખંડણી વસુલતા અને ખંડણી ન આપે તો હત્યા પણ કરી નાંખતી ગોસ્વામી ગેંગ વિરૃધ્ધ ગુજરાત તથા અન્ય રાજ્યોમાં ૫૧ જેટલા ગંભીર ગુના નોંધાયેલા છે. હત્યા, લૂંટ, ખંડણીવસુલી જેવા અનેક ગુનામાં સાબરમતી જેલમાં બંધ કુખ્યાત ગંગસ્ટર વિશાલ ગોસ્વામી અને તેના બે સાગરીતો દ્વારા જેલમાંથી જ મોબાઈલ પર વેપારીઓને ધમકી આપીને કખંડણી વસુલવાનું રેકેટ ચાલતું હોવાની માહિતી ક્રાઈમ બ્રાંચને મલી હતી. જેને આધારે ક્રાઈમ બ્રાંચના કાફલાએ સાબરમતી જેલમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં જેલમાં બંધ વિશાલ ગોસ્વામી અને તેના બે સાગરીતો અજય ઉર્ફે આશુતોષ ઉર્ફે રામેશ્વરપુરી ગોસ્વામી તથા રીન્કુ ઉર્ફે રાજ ઉર્ફે રાજવીર ઉર્ફ ેરામવીર ઉર્ફે રાજેશ ભગવાનગિરી ગોસ્વામી પાસેથી પોલીસે બે એન્ડ્રોઈડ ફોન, એક સાદો ફોન, બે સીમકાર્ડ, મોબાઈલનું ચાર્જર, સીમકાર્ડ કાઢવાની પીન, બે હેન્ડ્સ ફ્રી તથા મોબાઈલ નંબરો લખેલી ડાયરી કબજે કરી હતી. તપાસમાં ગોસ્વામી તેના જામીન પર છુટેલા સાગરીતો સાથે મોબાઈલ પર સંપર્કમાં રહીને વેપારીઓને વોટ્સએપ કોલ તથા મેસેજો કરીને તેમની પાસેથી ખંડણી પેટે માતબાર રકમ મેળવવા ધમકી આપતા હોવાનું બહાર આવ્યું હતું. કંડણી ન આપેતો વેપારી અને તેના પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપતા હોવાનું પણ તપાસમાં ખુલ્યું હતું. તે સિવાય ગોસ્વામી અને તેની ગેંગ પર થયેલા જુના કેસો જે કોર્ટમાં ચાલવા પર છે તેના સાક્ષીઓને ધમકાવી કેસમાંથી ફરી જવા જણાવતા હોવાની ચોંકાવનારી વિગતો પણ બહાર આવી હતી. આમ વિશાલ ગોસ્વામી તેના સાગરીતો સાથે ઓર્ગેનાઈઝ ક્રાઈ સિન્ડીકેટ બનાવી વેપારીઓને જાનતી મારવાની ધમકી આપી ખંડણી પેટે મોટી રકમ વસુલતા હોવાની ગેરકાયદે પ્રવૃતિમાં સંડોવાયેલા હતા. આમ આ ટોળકી ઓર્ગેનાઈઝ ક્રાઈમ કરતી હોવાથી ક્રાઈમ બ્રાંચના ડીસીપી દીપન ભદ્રન દ્વારા એક રિપોર્ટ તૈયાર કરાયો હતો જે પોલીસ કમિશનરને પહોંચાડી ગુજસીટોક કાયદા હેઠળ કાર્યવાહી કરવાની મંજુરી મેળવવામાં આવી હતી. જેને આધારે ક્રાઈમ બ્રાંચે આ ગેંગ વિરૃધ્ધ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ ક્રાઈમ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ અંગે પોલીસે તપાસ હાથ ધરીને ગોસ્વામીના જેલ બહાર રહેલા મેઘાણીનગરમાં રહેતા એને વિશાલના ભાઈ બિજેન્દ્ર ઉર્ફે વિજેન્દ્ર ઉર્ફે લાલો ઉર્ફે ધીરેન ઉર્ફે ધીરજ રામેશ્વરપુરી ગોસ્વામી, અનુરાગ ઉર્ફે ટાયગર સુરેન્દ્રપુરી ગોસ્વામી, જયપુરી ઉર્ફે જય રવિન્દ્રપુરી ગોસ્વામી અને કુબેરનગરમાં રહેતા વિશાલના ભત્રીજા સુરજ પ્રિતમપુરી ગોસ્વામીની ધરપકડ કરી હતી.