મોરબી બ્રિજ અકસ્માત પર રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વ્યક્ત કર્યો શોક, કહી આ વાત

મંગળવાર, 1 નવેમ્બર 2022 (09:56 IST)
ગુજરાતના મોરબીમાં રવિવારે સાંજે મચ્છુ નદી પરનો કેબલ બ્રિજ તૂટી જવાને કારણે એક કરૂણ અકસ્માત સર્જાયો હતો. જેમાં 132થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે ઘણા લોકો ગુમ થયા હતા. આ પુલ ઘણા વર્ષો જૂનો છે અને પાંચ દિવસ પહેલા પુલનું નવીનીકરણ કર્યા બાદ તેને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. દુર્ઘટના બાદ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબાએ શોક વ્યક્ત કર્યો હતો અને ઘાયલોની ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી હતી.
 
ઘટના બાદ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પુલ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. સોમવારે, પુતિને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે ક્રેમલિન વેબસાઇટ (રશિયાની ઓફિશિયલ સાઇટ) પર એક સંદેશ પ્રકાશિત કર્યો, જેમાં તેમણે કહ્યું કે માનનીય રાષ્ટ્રપતિ, માનનીય વડા પ્રધાન, કૃપા કરીને ગુજરાત રાજ્યમાં થયેલા દુ:ખદ પુલ અકસ્માત પર મારી સંવેદના સ્વીકારો. રશિયાની ન્યૂઝ એજન્સી અનુસાર, રાષ્ટ્રપતિ પુતિને દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનો અને તેમના મિત્રો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના પણ કરી હતી. રશિયાના રાજદૂત ડેનિસ અલીપોવે પણ પુલ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો.
 
નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબાએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. દેઉબાએ કહ્યું કે ગુજરાતના મોરબીમાં બ્રિજ દુર્ઘટનાથી હું ખૂબ જ દુઃખી છું. અકસ્માતમાં અમૂલ્ય જીંદગીઓ ગુમાવવા પર અમે ભારત સરકાર અને ભારતના લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ, તેમજ અમારી સંવેદના અને પ્રાર્થના પરિવાર સાથે છે. હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે અને આજે મોરબીની મુલાકાત લેશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર