યાયાવર પક્ષીઓનું આગમન શરૂ - પક્ષીતીર્થ વઢવાણા તળાવ ખાતે 10 હજાર જેટલા પક્ષીઓ આવ્યા

શનિવાર, 13 નવેમ્બર 2021 (17:09 IST)
વડોદરા નજીકના પક્ષીતીર્થ વઢવાણા તળાવ ખાતે વિવિધ યાયાવર પક્ષીઓનું આગમન શરૂ થઇ ચૂક્યું છે. તાજેતરમાં વનવિભાગેપ્રાથમિક અંદાજ કાઢતા હાલમાં 10 હજાર જેટલા પક્ષીઓ આવી ગયા છે. આ પક્ષીઓમાં સાઇબેરિયા-હિમાલય પ્રદેશોમાં જોવા મળતાં ગાજહંસ-રાજહંસ, યુરોપનો ટિલિયો, સફૅેદ ડોક ઢોંક અને ભગવી સુરખાબ સહિતના પક્ષીઓ જોવા મળી રહ્યાં છે.
 
 
આ વિસ્તારના આરએફઓ આર.એન. પુવારે જણાવ્યું કે, ‘છેલ્લા અઠવાડિયાથી પક્ષીઓનું આગમન અચાનક વધી ગયું છે. ખાસ કરીને તળાવના જે વિસ્તારમાં જ્યાં પાણી ઓછુ છે ત્યાં પક્ષીઓ વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યાં છે. જેમ જેમ તાપમાન ઘટતું જશે તેમ તેમ પક્ષીઓની સંખ્યા વધશે. પક્ષીવિદ કાર્તિક ઉપાધ્યાય કહે છે કે, ‘મંગોલિયાથી ગ્રે લેગ ગીઝ અને ઉત્તર ચાઇનાથી આવતાં પીન્ટેલ પક્ષીઓ અત્યારથી આવી ગયા છે. 
 
વડોદરા વન ખાતાના વન્ય જીવ વિભાગ દ્વારા દર વર્ષે પક્ષી ગણતરી કરવામાં આવે છે. માર્ચ સુધી વિદેશી પક્ષીઓ વઢવાણા વેટલેન્ડને પોતાનું ઘર બની વસવાટ કરે છે. સ્થાનિક લોકો પણ પૂરતો સહકાર પૂરો પાડી આ સમયગાળા દરમિયાન માછીમારી કરતા નથી આમ તેઓ પણ આ બાબતે જાગૃત્ત છે.
 
વઢવાણા વેટલેન્ડને રામશર સાઇટ જાહેર કરવા માટે હાલ વન વિભાગ અને વન્ય જીવ વિભાગ સતત પ્રયત્નશીલ છે. પ્રવાસીઓને પક્ષીજગતની વિશાળ સૃષ્ટિ વિશે ખ્યાલ આવે અને કેટલાય પક્ષીઓનો પરિચય થાય તે માટે પણ વન વિભાગે કવાયત કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વઢવાણા વેટલેન્ડ ભારતના મહત્વના વેટલેન્ડમાં સમાવિષ્ટ છે જ પરંતુ હવે આ જગ્યા રામસર સાઈટ જાહેર થાય એવા વન વિભાગ અને વન્ય જીવ વિભાગના પ્રયત્નો છે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર