વિધાનસભાના બજેટ સત્રનાં ત્રીજા અઠવાડીયાનો પ્રથમ દિવસ સરેરાશ શાંતિથી પસાર થયો હતો. અંદાજપત્ર પર સામાન્ય ચર્ચાનાં પ્રથમ દિવસે પ્રશ્નોતરી દરમિયાન શાસક અને વિપક્ષ વચ્ચે કેટલાક મુદ્દે ચકમક જરી હતી. જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને તેના પુત્ર જયનો ઉલ્લેખ પણ કોંગ્રેસે એક તબક્કે કર્યો હતો. પરંતુ રાજ્યકક્ષાના મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવીને કોંગ્રેસના સભ્યોને વધુ બોલતાં અટકાવ્યા હતા. તારાંકીત પ્રશ્નોત્તરીમાં પણ પ્રાથમિક શિક્ષણ, માધ્યમિક તથા ઉચ્ચતર અને ટેકનિકલ શિક્ષણ, RTI નો અમલ વગેરે બાબતો અંગે પ્રશ્નો ઉઠાવીને કોંગ્રેસના સભ્યોએ ગૃહમાં સરકારને ઘેરવાના પ્રયત્નો કર્યા હતા પણ અનુભવી મંત્રીઓએ તેઓને ફાવવા દીધા નહોતા. તેમજ જેવા સવાલ તે પ્રકારના સિફતપૂર્વકના જવાબો આપીને સ્થિતિને કંટ્રોલ કરી હતી.