નવસારીમાં ફોરેસ્ટ્રીના વિદ્યાર્થીઓએ પોતાના ભવિષ્યની સ્મશાન યાત્રા કાઢી
ગુરુવાર, 20 એપ્રિલ 2017 (15:12 IST)
નવસારી કૃષિ યુનિ. માં કાર્યરત ફોરેસ્ટ્રી કોલેજના વિદ્યાર્થીઓ ગત ૨૫ દિવસોથી રાજ્યના વન વિભાગમાં ૧૦૦ ટકા નોકરીની માંગ સાથે આંદોલન ચલાવી રહ્યા છે. રોજે રોજ આશ્ચર્યજનક કાર્યક્રમો આપતા વિદ્યાર્થીઓએ બે વાર રાજ્યાના મંત્રી તેમજ વન વિભાગના અધિકારીઓ સાથે કરેલી બેઠક પડી ભાંગી હતી અને સરકાર તરફે કોઇ હકારાત્મક જવાબ તેમને આજ દિન સુધી મળ્યો નથી. જેથી આક્રોષિત વિદ્યાર્થીઓ હવે આર-પારની લડાઇ લડવા મજબુર બન્યા હોય એવુ લાગી રહ્યુ છે.
ગત રોજ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આમરણાંત મૌન ભુખ હડતાલ પર ઉતરવાની ચીમકી બાદ આજે બુધવારે ફોરેસ્ટ્રીના વિદ્યાર્થીઓએ સવારે સવા નવ વાગ્યાના સુમારે પોતાની કોલેજથી પોતાના જ ભવિષ્યની સ્મશાન યાત્રા કાઢી હતી. ફોરેસ્ટ્રી કોલેજથી શરૃ થયેલી યાત્રા નવસારી રેલ્વે સ્ટેશન સુધી પહોંચી હતી. વિદ્યાર્થીઓએ સ્મશાન યાત્રાની શરૃઆતમાં દુણી પણ સળગાવી હતી અને બધા વિદ્યાર્થીઓ ખભે રૃમાલ નાંખી તેમજ વિદ્યાર્થીનીઓ લાજ કાઢી રડમસ મોઢે જોડાયા હતા. વિદ્યાર્થીઓએ બેનરો પણ સાથે રાખ્યા હતા, જેમાં હક્ક લઇશુ, નહીં તો મુંગા જ મરી જઇશુ, જેવા સુત્રોચ્ચાર લખી વિરોધ નોંધાવ્યો હતો. આ પ્રસંગનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે તે જોઈએ. આવતી કાલે ૨૦ મી એપ્રિલથી ફોરેસ્ટ્રી કોલેજના પાંચ વિદ્યાર્થીઓએ જ્યાં સુધી તેમની પડતર માંગોનો હકારાત્મક ઉકેલ ના આવે ત્યાં સુધી આમરણાંત મૌન ભુખ હડતાલ પર ઉતરવાનો નિર્ણય કર્યો છે અને આ બાબતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ભુખ હડતાલ દરમિયાન કંઇ પણ થાય, તેની જવાબદારી તંત્ર તેમજ સરકારની રહેવાની ચેતવણી ઉચ્ચારી હતી. આમરણાંત ઉપવાસ પર ઉતરનારા વિદ્યાર્થીઓ સાથે તેમના સાથીઓ પણ પાછળથી જોડાય એવી સંભાવના વર્તાઇ રહી છે.