દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર થતાં નદીઓ બે કાંઠે વહી, 21 જુલાઇ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ

મંગળવાર, 20 જુલાઈ 2021 (20:04 IST)
દક્ષિણ ગુજરાતમાં રવિવારથી વરસાદ પડી રહ્યો છે. જેથી જનજીવન અસ્ત વ્યસ્ત બની ગયું છે. વાપી, વલસાડ અને નવસારીમાં અનેક સ્થળોએ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગે કહ્યું કે દક્ષિણ ગુજરાત અને આસપાસના સમુદ્ર તળથી 2.1 કિલોમીટર પર ચક્રવાતી દબાણ બનેલું છે. 21 જુલાઇ સુધી માછીમારોને સમુદ્રમાં ન જવાની સલાહ આપી છે. વલસાડ, વાપી અને નવસારીમાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. 
 
નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોની મદદ કરવામાં આવી હતી. અત્યાર સુધી ગુજરાતમાં 36 ટકા વરસાદ ઓછો થયો છે. આઇએમડીએ જણાવ્યું હતું કે માછીમારોને 21 જુલાઇ સુધી ઉત્તર અને દક્ષિણ ગુજરાતના તટથી અરબ સાગરમાં ન જવાની સલાહ આપી છે. હવામાન વિભાગના અનુસાર આ દરમિયાન 60 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાઇ શકે છે. 
 
દક્ષિણ ગુજરાતમાં નવસારી અને વલસાડ સહિતના વિસ્તારોમાં છેલ્લા બે ત્રણ દિવસથી મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે. ત્યારે નવસારી અને ડાંગ જિલ્લામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. વરસાદી માહોલ છવાતા હાલ ગિરિમથક સાપુતારા અને ગીરાધોધની આસપાસના વિસ્તારમાં મનમોહક દ્રશ્યો સર્જાયા છે. અહીંના કુદરતી વાતાવરણને માણવા માટે હાલ લોકો દૂર દૂરથી અહીં પહોંચી રહ્યા છે.
 
નવસારી જિલ્લામાં અને ઉપરવાસમાં છેલ્લા બે દિવસથી મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. જેના કારણે ખાપરી, ગીરા અને અંબિકા નદી હાલ બે કાંઠે વહેતી થઈ છે. નાના ચેકડેમો છલકાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર