નર્મદા ડેમની સ્થિતિ અને સી પ્લેન વિશે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપી મહત્વની માહિતી

સોમવાર, 31 ઑગસ્ટ 2020 (18:24 IST)
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મીડિયા સંબોધનમાં કહ્યું કે, લોકોને તકલીફ ના પડે એટલે ઓછું પાણી છોડી રહ્યા છીએ. આવતી કાલથી ડેમમાં વધારે પાણી ભરવાની મંજૂરી મળશે. અમે સંપૂર્ણ પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છીએ. નર્મદા ડેમના કયા દરવાજા ખોલવા તે પણ જોઈ રહ્યા છીએ. ડેમમાં પાણી ભેગું પણ નથી થવા દેવાનું સંગ્રહ પણ કરવાનું છે. ત્યારે 132 મીટરની આજુબાજુ પાણી સંગ્રહ કરી શકીશું. તો સી પ્લેન અંગે તેમણે માહિતી આપતા કહ્યું કે, 31 ઑક્ટોબરથી ગુજરાતમાં સી પ્લેન સેવા શરૂ થશે. સરળતાથી સી પ્લેન ઉતરી શકે તેટલું પાણી નદીમાં છે. ધરોઈમાં પણ સી પ્લેન ઉતરી શકશે.નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે ગુજરાતમા ચોમાસાના અપડેટ આપતા કહ્યું કે, મધ્યપ્રદેશમાંથી છોડવામાં આવેલું પાણી સરદાર સરોવર ડેમમાં આવી રહ્યું છે. કુલ 11 લાખ ક્યુસેક પાણી સરદાર સરોવર બંધમાં આવી રહ્યું છે. 10 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડી રહ્યા છે. એક લાખ ક્યુસેક પાણીનો નર્મદામાં સંગ્રહ થઇ રહ્યો છે. જો બધું જ પાણીના બધામાં નદીમાં છોડી દેવામાં આવે તો સરદાર સરોવર અને નીચાણવાળા વિસ્તારોમાં મુશ્કેલી થાય. અસર થવાથી મોટું નુકસાન પણ થાય. તેવી જ રીતે ભરૂચમાં પણ પાણી પહોંચી જાય અને લોકોને હાલાકી ભોગવવી પડે. તેથી 10 લાખ ક્યુસેક પાણી અત્યારે છોડી રહ્યા છે. હજુ પણ ઉપરવાસમાંથી વધારે પાણી આવી રહે તેવી શક્યતા છે. આખી પરિસ્થિતિ ઉપર સરદાર સરોવરના ચીફ એન્જિનિયર કક્ષાના અધિકારીઓ ધ્યાન રાખીને બેઠા છે. રાજીવ કુમાર ગુપ્તા સહિતના અધિકારીઓ ધ્યાન રાખીને અપડેટ લઈ રહ્યાં છે. દર એક કલાકે મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. આવતીકાલથી નિયમ બનાવ્યા છે. એટલે સપ્ટેમ્બર મહિના ડેમ થોડો વધારે ભરી શકાશે. સપ્ટેમ્બર આખર સુધીમાં આખો ડેમ ભરી શકાય તે પ્રકારની મંજૂરી મળી છે. શક્ય એટલું વધારે પાણી સરદાર સરોવર ડેમ ભરવામાં આવશે. ગત વર્ષે પણ આપણી આખો ડેમ ભરાયો હતો. સતત બીજા વર્ષે સંપૂર્ણ પાણી ભરવામાં આવશે. તો સી પ્લેન પર મોટી માહિતી આપતા તેઓએ કહ્યું કે, એરપોર્ટ પર લોકો જેમ પ્લેન જુએ છે, તેમ જ પ્લેન પાણીમાં ઉતરશે. દુનિયાના ઘણા દેશોમાં આ પ્રકારે ટ્રાન્સપોર્ટેશન સુવિધા માટે પૂરી પાડવામાં આવે છે. હવે આપણી પાસે ટેકનોલોજી છે. તેથી દેશમાં પ્રથમ વખત આ પ્રકારે સી પ્લેન ઉડાવવામાં આવશે. સી પ્લેન સરળતાથી સરદાર સરોવર બંધમાં ઉતરી શકશે. ધરોઈ ડેમમાં પણ ઉતારવું હોય તો ઉતારી શકાશે. સૌરાષ્ટ્રમાં હજી અભ્યાસ નથી કર્યો, પણ સૌરાષ્ટ્રના મોટા ડેમમાં પણ સી પ્લેન ઉતારી શકાય છે. પ્રધાનમંત્રી સમય ફાળવે તે આધારે તેનું ઉદઘાટન થશે. 
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર