સુરત એરપોર્ટ પર મોદીનું ભવ્ય સ્વાગત, મોદીએ સુરતને આર્થિક વિકાસનું કેન્દ્ર કહ્યું
મંગળવાર, 7 માર્ચ 2017 (15:01 IST)
ગુજરાત પ્રવાસે આવેલા વડાપ્રધાન મોદીએ સુરત એરપોર્ટ પર કાર્યકર્તાઓને સંબોધતા, સ્વચ્છતા માટે થઈ રહેલા કામ, મેડિકલ ક્ષેત્રમાં થઈ રહેલા વિકાસ સાથે સુરતના ભરપૂર વખાણ કરતાં જણાવ્યું હતું કે, સુરત આર્થિક વિકાસનું કેન્દ્ર બન્યું છે. સુરતીઓના પુરૂષાર્થથી શહેર આજે આ ઉંચાઈએ પહોંચી ગયું છે. નરેન્દ્ર મોદીનું સૌ પ્રથમ એરપોર્ટ પર સુરતના પ્રથમ નાગરિક મેયર અસ્મિતાબેન શિરોયા, સાંસદ દર્શનાબેન જરદોષે સ્વાગત કર્યુ હતું. બાદમાં એરપોર્ટ પર ટૂંકા ભાષણમાં મોદીએ સુરતીલાલાઓના વખાણ કરતાં જણાવ્યું હતું કે, સુરતીલાલાઓ મને અવારનવાર મળતા રહે છે. અને ખબર અંતર પુછતો રહું છું.
સુરતીઓએ પોતાના પુરૂષાર્થથી 25 વર્ષ અગાઉના સુરતને નવી ઉંચાઈએ પહોંચાડ્યું છે. આર્થિક ગતિવિધીઓનું કેન્દ્ર કેમ બનાય તે સુરતીઓએ મહેનતથી સાબિત કરી આપ્યું છે. સુરત એરપોર્ટ પર ટૂંકુ ભાષણ આપતાં નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે,આપ સૌએ મારું સ્વાગત સન્માન કર્યુ તે બદલ આભાર. મેડિકલ સ્ટુડન્ટ મોટી સંખ્યામાં આવતાં મોદીએ જણાવ્યું કે, દેશમાં મેડિકલ ક્ષેત્રે ફરિયાદ રહી છે કે ડોક્ટર નથી પરંતુ હવે અલગ સ્થિતિનું નિર્માણ થવા જઈ રહ્યું છે. ચાર હજાર જેટલા તબીબો માટેની સીટ વધારવામાં આવી છે. જેથી નવા તબીબો ઉભા થશે. બીજી તરફ સ્વચ્છતાના ક્ષેત્રમાં પણ સારુ કામ થઈ રહ્યું છે. જાહેરમાં શૌચક્રિયાની જગ્યાએ નવા ટોયલેટ માટે સરકાર દ્વારા સારું કામ થઈ રહ્યું હોવાથી રાજ્ય સરકારને તેમણે અભિનંદન પાઠવ્યા હતાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એરપોર્ટ પર કાર્યક્રમ હોવાથી મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો એરપોર્ટ નજીક વિરોધ કરવા પહોંચ્યા હતાં. પરંતુ કોંગ્રેસીઓને દૂર રાખી દેવામાં આવ્યા હતાં. જેથી વિરોધ કરવા પહોંચેલા શહેર પ્રમુખ હસમુખ દેસાઈ સહિતની મહિલાઓ અને કોંગ્રેસી કાર્યકરોએ નરેન્દ્ર મોદી વિરુધ્ધના નારા લગાવી કાળા ગુબ્બારા હવામાં છોડ્યા હતાં. જેથી પોલીસે તેની અટકાયત કરી હતી.