અમદાવાદ જિલ્લાના બાવળા ખાતે આવેલા I-create કેમ્પસ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઈઝરાયેલના ભારત ખાતેના રાજદૂત રોન મલકા અને મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ અને ઉદ્યોગના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસની ઉપસ્થિતિમાં I-create ના સીઈઓ અનુપમ જાલોટ અને સ્ટાર્ટઅપ નેશન સેન્ટ્રલ(SNC) ના સીઈઓ યુ.જે.કાંડલે MOU પર હસ્તાક્ષર કર્યા હતા.
આ અવસરે રોન મલકાએ કહ્યું કે, ઈનોવેશન એ ભવિષ્ય છે અને ભારત-ઈઝરાયેલ આ ક્ષેત્રમાં સંયુક્ત રીતે કામ કરશે. તેમણે ઉમેર્યું કે, ભારત એ ઈઝરાયેલનો ભરોસાપાત્ર મિત્ર છે.તેમણે ભારતીય બુદ્ધિધનની પ્રસંશા કરતાં કહ્યું કે, વિશ્વના બહુ જૂજ દેશો ચંદ્ર પર પહોંચ્યા છે, જેમાં ભારતનો સમાવેશ થાય છે.
આ તબક્કે તેમણે ગુજરાત સરકારે અમલમાં મૂકેલી નવી ઔદ્યોગિક નીતિનો ઉલ્લેખ કરતાં કહ્યુ કે, નવી નીતિના કારણે ગુજરાતમાં રોકાણનો પ્રવાહ વધશે. તેમણે ઉમેર્યું કે, ઇનોવેશનના પરિણામે પ્રજાની સુખાકારીમાં વધારો થશે અને નવિન સંશોધનોનો લાભ પણ લાકોને મળતો થશે.
I-Create ના CEO અનુપમ જાલોટે કહ્યું કે, ભારત-ઈઝરાયેલ વચ્ચે સ્ટ્રેટેજિક ઈનોવેશનના ક્ષેત્રે ભાગીદારીને વધુ મજબૂત બનાવવામાં બંને દેશોના રાજદૂતોએ મહત્વની ભૂમિકા ભજવી છે. અનુપમ જાલોટે I-Create ની સ્થાપનામાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની મહત્વપૂર્ણ ભૂમિકાનો પણ ઉલ્લેખ કર્યો હતો. I-Create એ ભારતની અગ્રણી સ્ટાર્ટઅપ ઈન્કયૂબેટર છે, જ્યારે SNC એ ઇઝરાયેલની ઈનોવેશન શ્રેત્રે ખ્યાતિપ્રાપ્ત સંસ્થા છે.
આ અવસરે ઈઝરાયેલના કોન્સૂલ જનરલ યાકોવ ફિન્કેસ્ટીન પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ભારતના ઈઝરાયેલ ખાતેના રાજદૂત સંજીવ શિંગલા,ભારત સરકારના પ્રિન્સિપાલ સાયન્ટિફિક એડવાઈઝર પ્રો.કે.વિજયરાઘવન અને ઇઝરાયેલાના ચીફ સાયન્ટિસ્ટ ડો.એમી અપોલબમ પણ વીડિયો કોન્ફરન્સથી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.