ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા આગામી 11 માર્ચથી શરૂ થવાની છે. ત્યારે પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓને અગવડતા ન થાય તે માટે જિલ્લા કલેકટરની સૂચનાના આધારે સ્થાનિક તંત્ર સાથે સંકલનમાં રહીને વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર પર પહોંચવામાં અગવડતા ન પડે તેનું ખાસ ધ્યાન રાખવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. આ અંગે ગ્રામ્ય જિલ્લા શિક્ષણાધિકારી અને સ્થળ સંચાલકોની બેઠક મળી હતી. જેમાં વિગતવાર ચર્ચા કરી જરૂરી સૂચન આપવામાં આવ્યા હતા.તે ઉપરાંત વિદ્યાર્થીઓ આજથી હોલ ટિકીટ મેળવી શકશે. શિક્ષણ બોર્ડ દ્વારા આજે યાદી જાહેર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ આજથી બોર્ડની વેબસાઈટ પરથી હોલ ટિકીટ ડાઉનલોડ કરી શકશે.
સ્થાનિક તંત્ર સાથે મળીને વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવા સૂચના
અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા સ્થળ સંચાલકોની એક મહત્વની બેઠક મળી હતી. જેમાં પરીક્ષાના આયોજન સંદર્ભે મહત્વપૂર્ણ સૂચનાઓ સંચાલકોને આપવામાં આવી હતી. અમદાવાદ જિલ્લા ગ્રામીણ વિસ્તારની જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા સ્કૂલોને ખાસ તાકિદ કરવામાં આવી છે. કચેરી મારફતે સૂચના અપાઇ છે કે, જેતે સ્કૂલની આસપાસ રસ્તાનું સમારકામ ચાલી રહ્યું હોય અથવા તો અન્ય બાંધકામ સંબંધિત કામ ચાલતું હોય, અથવા તો રસ્તો બંધ હોય તેવી સ્થિતિમાં સ્કૂલ દ્વારા સ્થાનિક તંત્ર સાથે મળીને વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવે.
ટ્રાફિક પોલીસની પણ મદદ લેવામાં આવશે
ટ્રાફિક પોલીસની મદદ લઈને વિદ્યાર્થીઓ માટે પરીક્ષા કેન્દ્ર પર પહોંચવામાં સરળતા રહે તેવી વ્યવસ્થા કરવા માટે પણ ખાસ સૂચના અપાઈ છે.અમદાવાદ શહેર કોર્પોરેશનની હદની સાથે-સાથે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના હદની સ્કૂલો ગ્રામ્ય વિસ્તાર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી હસ્તગત છે. જેથી શહેર કે ગ્રામ્ય વિસ્તારમાં જે કોઈ સ્કૂલને પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવ્યું હોય અને એ સ્કૂલે પહોંચવામાં કોઈ અગવડતા ઊભી થાય એવી પરિસ્થિતિ હોય તો તેનું નિરાકરણ લાવવા માટે પણ સૂચના અપાઈ છે. અમદાવાદ ગ્રામ્ય જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી હસ્તગત 261 પરીક્ષા કેન્દ્ર પર ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા યોજવાની છે, જેમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઈ રહ્યા છે.