ગુજરાતમાં હવે અનામત આંદોલન વેગ પકડે તે પહેલા સમાધાનની સરકારી કવાયત
બુધવાર, 5 ફેબ્રુઆરી 2020 (12:46 IST)
ગુજરાતમાં અનામત પરિપત્રના મામલે વર્ગ વિગ્રહ વધવાની ભીતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે પોલીસને સૂચના આપી છે. સરકારને મળેલા ખાનગી રિપોર્ટના આધારે આ મામલો વધુ ગંભીર ન બને અને ગુજરાતમાં ફરી એકવાર સમાજ વિગ્રહ ન થાય તે માટે રાજ્ય પોલીસને સૂચના આપી છે કે, આંદોલનકારીઓ સાથે સંકલન કરી અને તેમની રજૂઆતો અને માગણીઓને સરકારના જે તે વિભાગ અને પ્રધાનો સુધી પહોંચાડી સમાધાન માટેના પ્રયાસો કરવામાં આવે. જેની શરૂઆત આજે ગાંધીનગરમાં છેલ્લા ૫૫ દિવસથી ઉપવાસ પર બેઠેલી એલઆરડીની મહિલા પરીક્ષાર્થીઓ સાથે સંકલન કરવાની પહેલ કરી છે.૨૪ ફેબ્રુઆરીના રોજ મળનારા વિધાનસભા સત્રને ધ્યાનમાં લઈ સરકાર હવે સજાગ થઈ છે. જેને પગલે રાજ્ય સરકારે પોલીસને જે કોઈ મહિલા ઉમેદવારો હોય તેમને રજૂઆત કરવા આવવા દેવા અને સંકલન સાધવા માટે જણાવ્યું છે. આમ હવે ગુજરાતભરમાં માલધારી સમાજથી લઈ આદિવાસી સમાજના આંદોલનને થાળે પાડવા માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. ૧ ઓગસ્ટ ૨૦૧૮ના રોજ કરવા સરકાર દ્વારા કરવામાં આવેલા આ પરિપત્રના મુદ્દા નં. ૧૨ અને ૧૩ની જોગવાઈઓ અંગે હાલ વિવાદ ઊભો થયો છે. આ પરિપત્ર મુજબ મેરિટના આધારે અનામતવાળી મહિલા પસંદગી પામે તો તેને અનામતના ક્વોટામાં જ ગણવાનો ઉલ્લેખ છે. જેની સામે આ મહિલાઓ આંદોલન પર ઊતરી છે. બીજી તરફ બિનઅનામત કેટેગરીની મહિલા ઉમેદવારો ગાંધીનગર ઊમટી પડી હતી અને જીઆર રદ ન કરવા આવેદન પત્ર આપ્યું હતું. પોલીસની ભરતીમાં મહિલાઓને સરકારે ૩૩ ટકા અનામત આપી છે, જોકે ૧લી ઑગસ્ટ ૨૦૧૮નાં રોજ થયેલા પરિપત્ર મુજબ મહિલા ઉમેદવારે જે કેટેગરીમાં ફોર્મ ભર્યું હોય તેમાં જ તેની પસંદગી શક્ય બને. એટલે કે કોઈ મહિલાએ ઓબીસી કેટેગરીમાં ફોર્મ ભર્યું હોય તો તેને જનરલ કેટેગરીમાં સ્થાન મળી શકે નહીં. આ જીઆરને કારણે સ્થિતિ એવી સર્જાઈ છે કે કેટલીક અનામત કેટેગરીની મહિલા ઉમેદવારોને જનરલ કેટગેરી તેમ જ આર્થિક રીતે નબળા વગર્ની (ઇડબલ્યુએસ) કેટેગરીની મહિલાઓ કરતાં વધુ માકર્સ આવ્યા છે.