સોશિયલ મીડિયામાં પોલીસને ગેરમાર્ગે દોરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરાશે : DGP શિવાનંદ ઝા

મંગળવાર, 21 જુલાઈ 2020 (17:39 IST)
રાજ્યના પોલીસ જવાનોએ 2800 ગ્રેડ પે બાબતે સોશિયલ મીડિયા ઉપર આંદોલન શરૂ કરવાની સાથે જ સરકારના પેટમાં ફાળ પડી હતી. આ કારણે તાત્કાલિક રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા એ પોલીસ કર્મચારીઓને સોશિયલ મીડિયા બાબતે ગાઈડલાઇન બહાર પાડી હતી. એટલું જ નહીં ચેતવણી આપી દીધી હતી કે સોશિયલ મીડિયામાં કોઈપણ પ્રકારનું આંદોલન ચલાવવું નહીં. સરકાર વિરોધી ઉશ્કેરણીજનક નિવેદન કે વીડિયો, પોસ્ટર પોસ્ટ કરવા નહીં. તેમ છતાં જો કરશે તો તેની સામે કાયદેસરનો ગુનો દાખલ કરાશે. કેટલાક અસામાજિક તત્વો દ્વારા ગ્રેડ પે ને લઇ પોલીસ કર્મચારીઓને ઉશ્કેરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જે ગેરકાયદેસર પ્રવુતિ છે. આવા અસામાજિક તત્વો પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. અત્યારે હસમુખ સક્સેના, ભોજા ભરવાડ અને કમલેશ સોલંકીની સામે ગુનો દાખલ કરીને ધરપકડ કરવામાં આવી છે.તેમણે વધુમાં કહ્યું હતું કે કેટલાક તત્વો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને પોલીસ કર્મચારીઓને ગેરમાર્ગે દોરે છે. ત્યારે આ પ્રકારની પ્રવૃત્તિને બિલકુલ ચલાવી લેવાશે નહીં. આમ છતાં કોઈ પોલીસને ઉશ્કેરવાનું કામ કરશે તો તેની સામે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ અને એપેડેમીક એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.તેમણે વધુમાં કહ્યું હતું કે રાજ્ય સરકારના અન્ય કર્મચારીઓ કરતા પોલીસ કર્મચારીઓને વધુ સત્તા મળે છે. ગુજરાતમાં પોલીસ કોન્સ્ટેબલને રજાના દિવસે કામ લેવામાં આવે છે. તો તેની સામે તેવા કર્મચારીઓને ત્રણ માસના પગાર ભથ્થાં અને રજા પગાર આપવામાં આવે છે. એટલું જ નહીં યુનિફોર્મ એલાઉન્સ ,સરકારી વાહન સહિતની સુવિધાઓ આપવામાં આવે છે. જ્યારે પાંચ વર્ષની સેવા ધરાવતા કોન્સ્ટેબલને પણ ગુનામાં તપાસની સત્તા આપવામાં આવી છે. આ પ્રકારની સત્તા આપવાવાળું ગુજરાત પ્રથમ રાજ્ય છે.
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર