અર્જુન મોઢવાડિયાએ ભાજપ કર્યા પ્રહારો: કોંગ્રેસે ફરી એકવાર PM મોદીને કહ્યા મોતના સોદાગર!!!

ગુરુવાર, 29 એપ્રિલ 2021 (10:55 IST)
સમગ્ર દેશમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. મોતનો આંક પણ સતત વધી રહ્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે કોંગ્રેસના નેતાએ મોતના સોદાગર શબ્દ પ્રયોગ કરતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. જોકે ભાજપે કોંગ્રેસને ભૂતકાળ યાદ કરાવ્યો અને કહ્યું કે, 2007માં કોંગ્રેસના સર્વોચ્ચ નેતાએ આ શબ્દ પ્રયોગ કર્યો હતો અને કોંગ્રેસ હાલ ગુજરાતમાં ડૂબતી નાવ બની છે.
 
ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયાએ વિવાદીત નિવેદન કર્યું છે. રાજકોટમાં નાગર બોર્ડીંગ ખાતે પત્રકાર પરિષદમાં અર્જૂન મોઢવાડીયાએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે, WHO દ્વારા સરકારને અગાઉ થી જ ચેતવણી આપવામાં આવી હોવા છતાં પણ સરકારે કોઇ જ પગલા ભર્યા નહિં. વડાપ્રધાન અને ભાજપનાં નેતાઓ મોતના સોદાગર છે. બીજી લહેરમાં અનેક લોકો મોતને ભેટ્યા છે ત્યારે ઓક્સિજન બેડ, વેન્ટીલેટર અને રેમડેસિવિર ઇન્જેક્શન પહોંચાડવામાં સરકાર નિષ્ફળ નિવડી છે.
 
પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલે સુરતમાં 5 હજાર રેમડેસિવિર ઇન્જેક્શનનું વિતરણ કર્યું હતું. જે મુદ્દે મુખ્યમંત્રીએ પણ સી.આર ને પુછો તેવો જવાબ આપીને હાથ ઉંચા કરી લીધા હોવાનો આરોપ કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ લગાવ્યો હતો. અર્જુન મોઢવાડીયાએ આજે કહ્યું હતું કે, સી.આર.પાટીલ ભાઉ સરકારને પણ જવાબ આપતા નથી અને બાપની ફેક્ટરી હોય તેવું વર્તન કરે છે. જ્યારે દિલ્હી બેઠેલા આકાઓને કહેવા માંગીશ કે, ગુજરાત સરકારને સ્વતંત્ર નિર્ણય કરવાની છુંટ આપે અને સી.આર.પાટીલ ધણખુંટની જેમ શિંગળા ભરાવતા ફરે છે તેને પણ કાબુમાં રાખો.
 
ભાજપનાં સૌરાષ્ટ્ર કચ્છનાં પ્રવક્તાએ કોંગ્રેસનાં આરોપોને નકાર્યા હતા અને કહ્યું હતું કે, કોંગ્રેસે ગરીમા ચુકિને આક્ષેપ બાજી પર ઉતરવું ન જોઇએ.  આ પ્રકારની ભાષા અને વાતો કરવાનો આ યોગ્ય સમય નથી. કોંગ્રેસનાં સર્વોચ્ચ નેતાઓએ 2007માં આવું નિવેદન આપ્યું હતું જેને ગુજરાતની જનતાએ કોંગ્રેસને એનું સ્થાન બતાવી દિધું છે. હવે કોંગ્રેસ ગુજરાતમાં ડુબતું નાવ છે એમ કહ્યું હતું.
 
પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયાનું કહ્યું હતું કે, સરકાર આંકડાઓ ખોટા જાહેર કરે છે. રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં 200 થી વધુ મૃતદેહો પડેલા છે.જેથી જ અંતિમ વિધિ માટે વેઇટિંગ ચાલી રહ્યું છે.તબીબો સાથે થયેલી વાત મુજબ, સૌરાષ્ટ્રમાં હજુ કોરોનાનું પિક આવવાનું બાકી છે. ચૌધરી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં દર્દીઓને દાખલ કરવા એમ્બ્યુલન્સની લાઈનો લાગી છે. 108 એમ્બ્યુલન્સ લાઈનોમાં હોવાથી દર્દીઓને લેવા માટે 24-24 કલાક સુધી લેવા નથી પહોંચી રહી તેવું કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ જણાવ્યુ હતું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર