અમદાવાદીઓ ઠંડીમાં ઠુંઠવાઇ ગયા, આબુમાં તાપમાન -5.4 ડિગ્રીએ પહોંચ્યો

સોમવાર, 20 ડિસેમ્બર 2021 (09:10 IST)
હવામાન વિભાગની આગાહી મુજબ સમગ્ર રાજ્યમા ભારે ઠંડીની સાથે તિવ્ર શીતલહેર વ્યાપી ગઈ છે.  સાથે કચ્છમાં પણ કાતિલ ઠંડીની અસર હેથળ  જનજીવન ઠુંઠવાઈ ગયું છે. ઠંડીના કારણે લોકોએ ગરમ કપડા પહેરવાનું શરૂ કરી દીધું છે. આ સિવાય વહેલી સવારે અને મોડી રાતે લોકો તાપણું કરતા પણ જોવા મળે છે.
 
સમગ્ર ઉત્તર ભારતમાં પડી રહેલી ઠંડી અને અત્યંત ઠંડા પવનની અસરના કારણે સમગ્ર ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. કચ્છનું નલિયા તો સૌથી ઠંડુગાર બન્યું છે. ઉત્તર ભારતના રાજ્યોમાં હાલ હિમવર્ષા થઈ રહી છે અને તેની અસર આસપાસના રાજ્યોમાં જોવા મળી રહી છે. ઉત્તર પૂર્વીય પવનના કારણે ગુજરાતમાં શીતલહેર ફરી વળી છે. આગામી દિવસોમાં વધારે ઠંડી પડવાની આગાહી છે.
 
ગત 10 વર્ષના આંકડા જોતા રાજ્યમાં 15થી 28 ડિસેમ્બર દરમિયાન ઠંડીનું જોર રહ્યું છે. જેમાં અમદાવાદમાં પાછલા વર્ષે 28 ડિસેમ્બરે સૌથી ઓછું તાપમાન 28મી તારીખે 8.3 ડિગ્રી નોંધાાયું હતું. જ્યારે આ સિઝનનું સૌથી ઓછું અમદાવાદનું તાપમાન ગઈકાલે 11.2 ડિગ્રી નોંધાયું હતું. આજે પણ અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભૂજ, ડીસા જેવા શહેરોમાં તાપમાનનો પારો 15 ડિગ્રીથી નીચે જશે તેવી સંભાવના કોલ્ડ વેવના લીધે વ્યક્ત કરાઈ રહી છે. 
 
કચ્છનુ નલીયા 4.2 ડિગ્રી લઘુત્તમ તાપન સાથે રાજ્યનુ સૌથી ઠંડુ મથક બની રહ્યુ છે. ભુજમાં પણ સવારથી ઠંડીનો ઠાર યથાવત રહેતા લોકોને ગરમ કપડાંમાં વિંટડાયેલા રહેવું પડ્યું હતું.  આગામી દિવસોમા પણ  શીતલહેરની આગાહી કરાઈ છે.
 
હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ગુરુ શિખરનું તાપમાન -5.4 ડિગ્રીએ પહોંચ્યું હતું. આ ઉપરાંત માઉન્ટ આબુમાં ગઈકાલે તાપમાન માઈનસ 1 ડિગ્રી નોંધાયું હતું. આ સિવાય રાજસ્થાનના અન્ય ભાગોમાં પણ ઠંડીનું જોર દેખાયું હતું, અને આગામી દિવસોમાં પણ ઠંડી રહેવાની સંભાવના દેખાઈ રહી છે. માઉન્ટ આબુના પોલો ગ્રાઉન્ડ પર તાપમાન માઈનસ 1 ડિગ્રી થવાથી બરફની સફેદ ચાદર પથરાઈ ગઈ હતી. સામાન્ય રીતે ડિસેમ્બર મહિનામાં માઉન્ટ આબુમાં પ્રવાસીઓનો ધસારો વધારે રહે છે.
 
ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે  'કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારમાં તીવ્ર કોલ્ડ વેવની સ્થિતિ સર્જાવાની શક્યતા છે. આ સિવાય સૌરાષ્ટ્ર-રાજકોટ, પોરબંદર અને જૂનાગઢના જિલ્લાઓમાં પણ આગામી ત્રણ દિવસ શીતલહેરની સ્થિતિ યથાવત્ રહેશે'.
 
આઈએમડીની આગાહીમાં કહેવામાં આવ્યું છે કે આગામી પાંચ દિવસમાં પંજાબ, હરિયાણા, પશ્ચિમી ઉત્તર પ્રદેશ, ગુજરાતના ભાગો અને ઉત્તર રાજસ્થાનમાં તીવ્ર શીત લહેરનું અનુમાન વ્યક્ત છે. IMDએ જણાવ્યું હતું કે એવો અંદાજ છે કે આગામી દિવસમાં ઉત્તર પશ્ચિમ ભારતના મોટાભાગના ભાગો, મધ્ય ભારત અને ગુજરાતના ભાગોમાં બેથી ચાર ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે. પૂર્વી ભારત અને મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં આગામી ચાર દિવસમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો જોવા મળી શકે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર