જંત્રીના ભાવ વધારા સામે બિલ્ડરોએ CMને રજૂઆત કરી, 3 માસ પછી નવો જંત્રી દર લાગુ કરવો

સોમવાર, 6 ફેબ્રુઆરી 2023 (12:57 IST)
આજથી સરકારે જંત્રીના ભાવમાં બમણો વધારો કર્યો છે. જંત્રી ભાવનાં થયેલા આ મોટા વધારા સામે રાજ્યના બિલ્ડર એસોસિએશને નારાજગી નોંધાવી છે. જેને લઈને આજે બિલ્ડર એસોસિએશન દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રજુઆત કરવામાં આવી હતી.મુખ્યમંત્રી સાથેની બેઠકમાં મુખ્યમંત્રીએ હકારાત્મક વિચારણા કરવાની ખાતરી આપી હતી. ગાહેડના આગેવાનોએ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી કે, આગામી 3 માસ પછી નવો જંત્રી દર લાગુ કરવામાં આવે. નવા ભાવ અમલમાં આવવાથી મકાનના ભાવમાં 35 ટકા નો વધારો થશે. 
 
જંત્રીના ભાવ વધારા પહેલા સરકારે એક સર્વે કરવાની જરુર છે: પરેશ ગજેરા
રાજ્ય સરકારે જંત્રીના ભાવમાં વધારા સામે ગુજરાત બિલ્ડર એસોસિએશનના પ્રમુખ પરેશ ગજેરા, સેક્રેટરી સુજીત ઇદાણી તેમજ અન્ય સભ્યો આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રજુઆત કરશે. આ સાથે બિલ્ડર એસોસિએશનના પ્રમુખ જણાવ્યું કે જંત્રીના ભાવ વધારા પહેલા સરકારે એક સર્વે કરવાની જરુર છે. અને સર્વે કર્યા બાદ એક નોટીફિકેશન જાહેર કર્યા પછી જંત્રીના ભાવમાં વધારો કરવો જોઈએ. આ સાથે તેમણે જણાવ્યુ કે આ અંગે બિલ્ડર એસોસિએશન દ્વારા આ પહેલા પણ વિરોધ કરવામાં આવ્યો હતો.
 
રાજય સરકાર દ્વારા જંત્રીના દર બમણા કરવા અંગે લેવામાં આવેલા નિર્ણયના પગલે અમદાવાદીઓ પાસેથી  પ્રોપર્ટી ટેકસબિલમાં રુપિયા ૬૦૦થી ૧૦૦૦ સુધીની રકમનો વધુ  મિલકતવેરો વસૂલવામાં આવે તેવી પ્રબળ સંભાવના છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હદ વિસ્તારમાં હાલમાં ૧૭ લાખ જેટલી રહેણાંક અને છ લાખ જેટલી કોમર્શિયલ મિલકત આવેલી છે.મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસન દ્વારા છેલ્લા દસ વર્ષમાં મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કોઈ પ્રકારના કરવેરામાં વધારો કરવામાં આવ્યો નથી એવુ કારણ આગળ ધરીને શહેરીજનો ઉપર રુપિયા પાંચસો કરોડથી વધુ રકમનો કરવેરા બોજ ઝીંકવા ડ્રાફટ બજેટમાં દરખાસ્ત રજૂ કરી છે.
 
અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર પ્રોપર્ટી ટેકસના અધિકારીઓ સાથે ફરી એકવખત બેઠક કરશે.આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર સરકારે જંત્રીના દરમાં વધારો કરવાનો નિર્ણય કર્યા બાદ શહેરના કયા વિસ્તારમાં પ્રોપર્ટીટેકસ વસૂલવા માટે લેટીંગ રેટ કેટલો રાખી શકાય અને બધુ મળીને પ્રતિ રહેઠાણ કે કોમર્શિયલ એકમ પાસેથી કેટલી મહત્તમ રકમના ટેકસની વસૂલાત કરી શકાય એ અંગે ચર્ચા કરી અંતિમ નિર્ણય કરશે.નોંધપાત્ર બાબત એ છે કે,મ્યુનિસિપલ કમિશનરે ૩૧ જાન્યુઆરીના રોજ રજૂ કરેલા વર્ષ-૨૦૨૩-૨૪ માટેના ૮૪૦૦કરોડના ડ્રાફટ બજેટમાં દર વર્ષે પ્રોપર્ટી ટેકસ વસૂલવા માટેના લેટીંગ રેટમાં પાંચ ટકા સુધીનો વધારો કરવાની દરખાસ્ત પણ રજૂ કરી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર