ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા બે કેબિનેટ મંત્રીઓ પાસેથી ખાતા છિનવાયા

શનિવાર, 20 ઑગસ્ટ 2022 (23:58 IST)
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના મહિના બાકી છે, ત્યારે ભૂપેન્દ્ર પટેલ સરકારે બે કેબિનેટ મંત્રીઓ પાસેથી ખાતા પાછા લઈ લેવામાં આવ્યા છે. મહેસુલ વિભાગનો હવાલો રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી હવાલો લઈને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને સોંપ્યો છે. તો પૂર્ણેશ મોદી પાસેથી લઈને ઉધોગ રાજ્ય મંત્રી જગદીશ પંચાલને સોંપ્યો હોવાનું સામે આવ્યું છે.
 
 ભૂપેન્દ્ર પટેલ કેબિનેટના સૌથી સિનિયર મોસ્ટ મંત્રી ગણાય છે. આમેય શપથવિધિ દરમિયાન ભૂપેન્દ્ર પટેલ બાદ રાજેન્દ્ર ત્રિવેદીએ જ બીજા ક્રમે શપથ લીધા હતા. તેમાં પણ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાની સ્ટાઈલથી ત્રિવેદી પણ રાજ્યમાં ગમેતે સ્થળે સબ-રજિસ્ટ્રાર કચેરી અથવા તો મહેસુલ કચેરીઓમાં દરોડા પાડીને રજિસ્ટર ચેક કરતા હતા. આ દરેક વખતે ત્રિવેદી મીડિયાને સાથે રાખતા હતા. આ બાબતે બાબુઓની ફરિયાદો કામ કરી ગઈ કે પછી રાજેન્દ્ર ત્રિવેદીથી ભાજપ હાઈકમાન્ડ નારાજ હોવાનું બીજું કોઈ કારણ છે તે તો હવે પછી જાણવા મળશે. પરંતુ આ બધામાં હર્ષ સંઘવીને લોટરી લાગી ગઈ તે નક્કી છે.
 
સુરતના પૂર્ણેશ મોદી પાસેથી માર્ગ અને મકાન વિભાગનો હવાલો છીનવી લેવાયો તે જરાક સરપ્રાઈઝિંગ છે. પૂર્ણેશ મોદી પોતાની બોલ્ડ કામગીરી માટે જાણીતા હતા અને કડકપણે પોતાના નિર્ણયોનો અમલ કરાવતા હતા. જો કે, તાજેતરના ચોમાસા દરમિયાન રાજ્યમાં ઠેર-ઠેર પડી ગયેલા ખાડાઓમાં પણ સરકારની ખાસ્સી ટીકા થઈ હતી. હવે આ ખાડાના નામે મોદી સામે કોઈ બીજો સ્કોર સેટલ કરી દેવાયો હોય તેવું પણ બની શકે છે.  સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં ખેડૂતોને લગતી કેટલીક જમીનોના શંકાસ્પદ વ્યવહારોમાં વ્યાપક ગેરરીતિ થયાનું ભાજપ મોવડીમંડળના ધ્યાને આવ્યું હતું. આમાં મોવડીમંડળે ભારોભાર નારાજગી દર્શાવવા સાથે રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી મહેસૂલ વિભાગ છીનવી લેવાનો આદેશ આપ્યાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર