કોરોનાના કારણે આ વર્ષે અંબાજી મંદિરના ચાચર ચોકમાં નવરાત્રીના ગરબા નહીં યોજાય. અંબાજી ધાર્મિક ઉત્સવ સમિતિએ નવરાત્રીમાં આરતીનું જ સૂચન કર્યું છે. અંબાજી ધાર્મિક સમિતિ નવરાત્રીમાં આરતી કરશે. મહત્વનું છે કે દર વર્ષે ચાચર ચોકમાં નવરાત્રીના ગરબા યોજાય છે. કોરોના મહામારીને લઇ ગરબાનું આયોજન ન કરાય તેવી શક્યતા સેવાઇ રહી છે. ગયા વર્ષે પણ ચાચરચોકમાં ગરબાનું આયોજન નહોતું કરાયું.
માં અંબેનું મૂળ સ્થાન અંબાજી જે 51 શક્તિપીઠમાનુ એક તીર્થસ્થળ માનવામાં આવે છે, અને જેના નામના ગરબા સમગ્ર ભારત ભરમાં ગવાય છે ને રમાય છે. આસોસુદ માસની નવરાત્રીની ખેલૈયાઓ ભારે આતુરતાથી રાહ જોતા હોય છે, પણ આ વખતે નવરાત્રિને કોરોનાનું ગ્રહણ બીજા વર્ષે પણ યથાવત રહ્યું છે.
ચાચરચોકમાં ગરબાનો કાર્યક્રમ ભલે મુલતવી રખાયો હોય પણ નવરાત્રી દરમિયાન અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું જ રહેશે ને રાબેતા મુજબ દર્શન આરતી ના સમય મંદિરમાં દર્શનાર્થીઓ દર્શન લાભ લઈ શકશે, પ્રથમ નવરાત્રીએ નિજ મંદિરમાં શુભ મુહર્તમાં ઘટ સ્થાપન કરી, જવેરા વાવવાનો કાર્યક્રમ પણ પરંપરાગત રીતે યોજાશે