રૂદ્રપ્રયાગમાં ભૂસ્ખલન બાદ ભેખડો ઢસડીને કાર પર પડી, કેદારનાથ જઈ રહેલા 4 ગુજરાતીઓના મોત

શનિવાર, 12 ઑગસ્ટ 2023 (13:50 IST)
Rudraprayag, landslide
ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગમાં ભૂસ્ખલન બાદ ભેખડો ઢસડીને કાર પર પડતા કાર નીચે દબાઈ ગઈ હતી, જેમાં 4 ગુજરાતી હોવાનું જાણવા મળ્યું છે. તમામના મૃતદેહ મળી આવ્યા છે. હરિદ્વારથી કેદારનાથ વચ્ચે રસ્તા વચ્ચે રુદ્રપ્રયાગ જિલ્લામાં ભૂસ્ખલન થતાં કાર દટાયાનું જાણવા મળ્યું છે. કારમાં સવાર 4 શ્રદ્ધાળુ ગુજરાતી હતા, જેમાં 3 અમદાવાદ અને એક મહેમદાબાદનો રહેવાસી હતો. પોલીસે અકસ્માત વિશે જણાવ્યું કે ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લાના ચોકી ફાટા હેઠળ તરસાલી ખાતે ભૂસ્ખલનના કાટમાળ નીચે કાર દબાઈ જતાં પાંચ શ્રદ્ધાળુઓના મોત થયા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ વાહનમાં બેઠેલા શ્રદ્ધાળુઓ ગુરુવારે સાંજે કેદારનાથ જઈ રહ્યા હતા ત્યારે ભૂસ્ખલન થયું અને કાટમાળ વાહન પર પડ્યો.  

 
હાઇવેનો 60 મીટરનો હિસ્સો ધરાશાયી થયો હતો
 
અધિકારીઓએ જણાવ્યું હતું કે, "તરસાલીમાં પહાડીમાંથી પથ્થરો સાથે પડતા ભારે કાટમાળને કારણે કેદારનાથ-ગયા હાઈવેનો 60 મીટરનો ભાગ તૂટી પડ્યો હતો. આ દરમિયાન અહીં એક વાહન કાટમાળ નીચે દટાઈ ગયું હતું. એક વાહન કાટમાળમાં દટાયેલું જોવા મળ્યું હતું. શુક્રવારે, જેમાંથી પાંચ મૃતદેહો મળી આવ્યા હતા. મૃતકોમાં 4 ગુજરાતનાં હતા.  અધિકારીઓએ એ પણ માહિતી આપી કે આ ઘટનાને કારણે શુક્રવારે કેદારનાથ ધામ તરફ જતા ગુપ્તકાશી-ગૌરીકુંડ હાઈવે પરનો વાહનવ્યવહાર પણ ખોરવાઈ ગયો હતો. તેમણે કહ્યું કે લગભગ 60 મીટર રોડ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયો છે અને ધોવાઈ ગયો છે.
 
દુર્ઘટનાની માહિતી મળતાંની સાથે જ સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એસડીઆરએફ) દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ ધોધમાર વરસાદના કારણે કામમાં અવરોધ ઊભો થયો હતો. શુક્રવારે જ્યારે હવામાન ચોખ્ખું થઈ ગયું ત્યારે પાંચ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઉપરાંત અધિકારીઓએ એમ પણ જણાવ્યું હતું કે મૃતકોની યાદીમાં ગુજરાતના જિગર આર. મોદી, મહેશ દેસાઈ, દિવ્યેશ પારેખ, મનીષકુમારનાં નામ છે. આ સાથે હરિદ્વારના મિન્ટુ કુમારનું પણ મોત થયું છે.
 
પોસ્ટમોર્ટમ બાદ તમામના મૃતદેહ ગુજરાત લવાશે
ઈસનપુર વોર્ડના કોર્પોરેટર અને રોડ એન્ડ બિલ્ડિંગ ડેપ્યુટી કમિટીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ઉત્તરાખંડમાં ભૂસ્ખલન થવાથી ઈસનપુર વોર્ડમાં ઘોડાસર વિસ્તારમાં આવેલી ન્યૂ આરતી સોસાયટીના 3 રહેવાસી અને એક મહેમદાવાદના યુવકનું મૃત્યુ થયું છે. ધારાસભ્ય અમૂલ ભટ્ટ દ્વારા સરકાર સાથે સંકલનમાં રહીને પોસ્ટમોર્ટમ બાદ તમામના મૃતદેહ ઝડપથી અમદાવાદ લાવવા માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર