ચૂંટણીપંચ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર કરી દેવામાં આવી છે. એની સાથે હવે ચૂંટણીમાં કયો પક્ષ અને ઉમેદવાર કેવો દેખાવ કરશે એ માટે પક્ષ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ બધાની વચ્ચે ચૂંટણીની જાહેરાત પહેલાં ગુપ્તચર વિભાગે એક પ્રાથમિક સર્વે કર્યો છે, જેમાં ભાજપને અત્યારની સ્થિતિમાં 80 ટકા સીટ મળી શકે છે. જ્યારે આ વખતે એક જ વોર્ડમાં અનેક લોકો પોતાની ઉમેદવારી કરી રહ્યા છે, જેથી જો કોઈ ફેક્ટર કામ કરે તો ભાજપ VS ભાજપ જેવી ચૂંટણીનો વારો આવી શકે છે. બીજી તરફ આ વખતે પાટીદાર અનામત આંદોલન કરતાં વધુ સારી સ્થિતિ ભાજપની છે, પણ ઓવૈસીની પાર્ટી આ વખતે અન્ય પાર્ટીનું સમીકરણ બગાડી શકે છે.2021માં રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવા જઇ રહી છે. આ વખતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચૂંટણી નથી, પણ અન્ય નવી પાર્ટી પણ સક્રિય થઈ છે, જેમાં આમ આદમી પાર્ટી, એઆઈએમઆઈએમ પાર્ટી, કોંગ્રેસ, એનસીપી અને અન્ય આ વખતે સ્થાનિક અપક્ષ ઉમેદવાર મોટી સંખ્યામાં ઉમેદવારી કરી શકે છે. એને કારણે આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી ખૂબ રોમાંચક થઈ શકે છે.આ વખતે ચૂંટણીમાં કયા ફેક્ટર કામ કરી શકે છે અને આજની સ્થિતિમાં કયા પક્ષને શું અસર થશે એ બાબતે આઈબી દ્વારા એક સર્વે કરવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વખતે ભાજપની સ્થિતિ સારી છે. પાટીદાર આંદોલન વખતે ભાજપને જે મુશ્કેલી હતી એના કરતાં સારી સ્થિતિ છે. બીજી તરફ આ વખતે ભાજપને ઉમેદવારને સિલેક્ટ કરવા સાથે સીધી અસર થઈ શકે છે, કારણ કે એક વોર્ડમાં 20થી વધુ દાવેદારી થાય એવી શક્યતા છે, જેથી જે ઉમેદવારને સિલેક્ટ નથી થતા તે ક્યાંક ગણિત બગાડી શકે છે, એટલે ભાજપ VS ભાજપ ક્યાંક ટકરાવ થઈ શકે છે.આ વખતે આમ આદમી પાર્ટી અને અન્ય પક્ષ પણ એક્ટિવ છે, પરંતુ ઓવૈસીની પાર્ટી શહેર વિસ્તારમાં કેટલાક વોર્ડમાં કોંગ્રેસ ચાલુ પેનલને નુકસાન કરી શકે છે. આ સર્વે હાલની સ્થિતિના આધારે છે, પરંતુ હજી આમાં ઘણા ફેરફાર થઈ શકે છે.