ગામના તલાટીએ સાંતેજ પોલીસ સ્ટેશનમાં તથ્ય પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
શહેરના ઈસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતને જોવા માટે ઉભા રહેલા લોકો પર જેગુઆર કાર ચઢાવીને 9 લોકોને ભરખી જનાર તથ્ય પટેલના એક પછી એક કારનામા બહાર આવી રહ્યાં છે. જેગુઆરનું કારનામું તો તપાસમાં છે. ત્યાર બાદ થાર કાર રેસ્ટોરન્ટમાં અથડાવી અને હવે આ નબીરાએ છ મહિના પહેલાં ગાંધીનગરના સાંતેજ પોલીસ મથકની હદમાં સાણંદ જતા મેઇન રોડ ઉપર આવેલ બળિયાદેવના મંદિરમાં પણ જેગુઆર ગાડી ઘુસાડી દીધી હતી. આ અકસ્માત પણ એટલો જોરદાર હતો કે મંદિરનો પિલર તૂટી ગયો હતો. આ અકસ્માત સમયે ગાડી નંબર કે અન્ય માહિતી ના હોવાથી કોઇએ ફરિયાદ કરી ન હતી. પરંતુ હવે આ અકસ્માતને લઈને સાંતેજ પોલીસમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
મંદિરના પિલર સાથે જેગુઆર કાર અથડાવી
પ્રાપ્ત વિગતો પ્રમાણે તથ્યએ સાંતેજ પોલીસ મથકની હદમાં આવેલા બળિયાદેવના મંદિરમાં જેગુઆર ગાડી ઘુસાડી દઈ 20 હજારનું નુકશાન કર્યું હતું. પોલીસને આ કેસમાં શંકા છે કે, તથ્ય થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવા નીકળ્યો હતો અને આ અક્સ્માત કર્યો હતો. આ અંગે કલોલ વાંસજડા (ઢે) ગામના મણાજી પ્રતાપજી ઠાકોર હાલમાં તલાટી વહીવટકર્તા તરીકે કામ કરે છે. તેમણે ફરિયાદ નોંધાવી છે કે, તથ્ય પટેલે ગામની ભાગોળે આવેલ બળિયાદેવના મંદિરના પિલર સાથે જેગુઆર કાર અથડાવી દીધી હતી.
મંદિરને 20 હજારનું નુકસાન થયું હતું
ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે પહેલી જાન્યુઆરી 2023ના રોજ વહેલી સવારે કોઈ ગાડીચાલકે ગામની ભાગોળે મેઇન રોડ ઉપર સાણંદ તરફ જતા રોડ ઉપર આવેલ બળિયાદેવ મંદિરની આગળની સાઇડના એક પિલરમાં કાર ઘુસાડી દીધી હતી. જેના કારણે મંદિરનો ધાબાનો ભાગ નમી ગયો હતો અને મંદિરને 20 હજારનું નુકસાન થયું હતું. જે તે વખતે મંદિરને નુકસાન કરનાર ગાડી નંબર કે અન્ય માહિતી ના હોઇ ગામમાંથી કોઇએ ફરિયાદ કરી ન હતી. પરંતુ તાજેતરમાં તથ્ય પટેલના કારનામાનાં અહેવાલો પ્રસિદ્ધ થયા હતા.જેમાં તથ્ય પટેલના મિત્રોએ ઉપરોક્ત મંદિરમાં પણ કાર ઘુસાડી દીધી હોવાનું નિવેદન આપ્યું હતું.