સુરતમાં પાટીદારોએ બે બસો સળગાવી, અમિત શાહની સભાનું સ્વરૂપ ઋત્વિજ પટેલની સભામાં જોવા મળ્યું
બુધવાર, 13 સપ્ટેમ્બર 2017 (12:45 IST)
પાટીદાર અનામત આંદોલન સમિતિના કાર્યકરોએ બરોબર 13 મહિના પછી પાછું પોતાનું રોષ ભર્યું સ્વરૂપ બતાવ્યું છે. 13 મહિના પૂર્વે અમિત શાહની સભામાં તોડફોડ થઈ હતી ત્યાર બાદ મંગળવારે રાત્રે વરાછાના હીરા બાગ નજીક પ્રદેશ યુવા ભાજપના પ્રમુખ ડો. ઋત્વિજ પટેલની સભામાં પાસના કાર્યકરોએ ધમાલ મચાવી દીધી હતી. કાર્યક્રમના સ્થળે તો તોડફોડ કરી જ એ ઉપરાંત બે બસમાં પણ આગચાંપી દીધી હતી.
મોડી રાત્રે પોલીસે પાસના 50 કાર્યકરોની અટકાયત કરી હતી. જે તમામને મુક્ત કરવા માટે હાર્દિક પટેલ તેમજ સ્થાનિક મહિલાઓ મેદાને પડ્યા હતા. હાર્દિકે ટ્વિટ કરીને અને મહિલાઓએ વેલણથી થાળી વગાડીને પાસના કાર્યકરોને મુક્ત કરવાની માગણી કરી હતી. મંગળવારે સાંજે હીરા બાગ સર્કલ નજીક ભાજપ દ્વારા વિજય ટંકાર યુવા સંમેલનનું આયોજન કરાયું હતું. જેમાં પ્રદેશ યુવા ભાજપના પ્રમુખ ડો. ઋત્વિજ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. બીજી બાજુ પાટીદારોના પ્રભુત્ત્વવાળા વિસ્તારોમાં ભાજપના એક પણ કાર્યક્રમને મંજૂરી ન આપવાની પાસ દ્વારા અગાઉ પોલીસ કમિશનરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે
આમ છતાં ભાજપના સંખ્યાબંધ કાર્યક્રમોને પોલીસ મંજૂરી આપી રહી છે આ વાતને કેન્દ્રમાં રાખી પાસના કાર્યકરો પણ આક્રમક મૂડમાં આવી ગયા હતા અને કાર્યક્રમમાં ટમેટાં સાથે પથ્થરો પણ ફેંક્યા હતા. જેના કારણે મામલો તંગ બન્યો હતો અને પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. સમગ્ર ઘટના બાદ રાબેતામુજબ પોલીસે પાસના આગેવાનો ધાર્મિક માલવિયા, અલ્પેશ કથીરિયા સહિત 50 જેટલા કાર્યકરોની અટકાયત કરી લીધી હતી. જે તમામને મંગળવારે મોડી રાત્રે 12 વાગ્યે ઉમરા પોલીસ મથક પર રાખવામાં આવ્યા હતા.
આ વાતની જાણ પાસના કાર્યકરોને થતાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉમરા પોલીસ મથક પર એકત્ર થયા હતા અને સૂત્રોચ્ચાર સાથે રામધૂન શરૂ કરતા પોલીસનું ટેન્શન વધી ગયું હતું. આખરે મોડી રાત્રે તમામને મુક્ત કર્યા હતા. ઘટનાની જાણ પાટીદાર આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલને થતાં તેમણે ત્રણ ટ્વિટ મારફતે પોતાનો સંદેશો વહેતો કર્યો હતો. પહેલા ટ્વિટમાં કહ્યું સુરતના પાસ કન્વીનર અને પાટીદાર યુવાનોને તાત્કાલિક છોડવામાં નહીં આવે તો ગુજરાતમાં શરૂ થશે ક્રાંતિ માર્ગ, થોડા સમય પછી બીજું ટ્વિટ કર્યુઃ લોકશાહી ઢબે વિરોધ કરીએ છીએ તો પછી લાઠીચાર્જ શા માટે, શા માટે અમને હેરાન કરી રહ્યા છો અમે ભારતીય છીએ. અને ત્રીજા ટ્વિટમાં કહ્યુઃ પાટીદાર વિસ્તારમાં ભાજપને કાર્યક્રમ કરવાની મંજૂરી ના આપવી એવી રજૂઆત પોલીસ કમિશરનને પહેલા કરી ચૂક્યા છીએ. પાટીદારોને તો મંજૂરી આપતા નથી. વધુ એક વખત પોલીસની સર્વેલન્સ સિસ્ટમ નિષ્ફળ નીવડી હોવાનું પણ આ કાર્યક્રમ પરથી સ્પષ્ટ થયું છે. આ કાર્યક્રમ જે સ્થળે હતો તેની આજુબાજુની ચાર સોસાયટીમાંથી પાટીદાર યુવાનોએ હલ્લો મચાવ્યો હતો. આ વાતની જાણકારી મેળવવામાં પોલીસ સદંતર નિષ્ફળ રહી હતી. આ જ રીતે ઓગષ્ટ 2016માં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો અબ્રામા ખાતેની પી.પી. સવાણી સ્કૂલમાં કાર્યક્રમ હતો ત્યારે પણ પોલીસની સર્વેલન્સ સિસ્ટમ નિષ્ફળ નીવડી હતી. તે વખતે પણ તોફાનો કરવામાં પાટીદાર યુવાનો સફળ રહ્યા હતા.