Germany Attack- જર્મનીમાં ક્રિસમસ માર્કેટ પર થયેલા હુમલા અંગે ભારતે શું કહ્યું?
રવિવાર, 22 ડિસેમ્બર 2024 (14:15 IST)
ભારતીય વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કરીને જર્મનીના મૅગડેબર્ગમાં ક્રિસમસ માર્કેટ પર થયેલા હુમલાની નિંદા કરી છે.
વિદેશ મંત્રાલયે કહ્યું, "અમે જર્મનીના મૅગડેબર્ગના ક્રિસમસ માર્કેટ પર થયેલા ભયાનક હુમલાની નિંદા કરીએ છીએ."
"કેટલાકનાં મૃત્યુ થયાં અને ઘણા ઈજાગ્રસ્ત થયા છે. અમારી સંવેદનાઓ પીડિતો સાથે છે."
વિદેશ મંત્રાલયે કહ્યું, "આ હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા ભારતીયો અને તેમના પરિવારો સાથે અમે સંપર્કમાં છીએ. અમારું મિશન દરેક સંભવિત મદદ કરી રહ્યું છે."
શુક્રવારની રાત્રે જર્મનીના મૅગડેબર્ગમાં એક ક્રિસમસ માર્કેટ પર હુમલો થયો, જેમાં એક કારે ઘણા લોકોને કચડી નાખ્યા.
આ હુમલામાં અત્યાર સુધી પાંચ લોકોનાં મૃત્યુ થયાં છે, જેમાં એક નવ વર્ષનું બાળક પણ સામેલ છે. તેમજ લગભગ 200 લોકો ઈજાગ્રસ્ત હોવાનું જાણવા મળી રહ્યું છે.
સમાચાર એજન્સી પીટીઆઈ પ્રમાણે આ હુમલામાં સાત ભારતીયો ઈજાગ્રસ્ત થયા છે.
પોલીસે બાદમાં એક વ્યક્તિની ધરપકડ કરી છે અને તેની પૂછપરછ કરાઈ રહી છે.
સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે સંદિગ્ધ વ્યક્તિની ઓળખ તાલેબ અલ-અબ્દુલમોહસેન તરીકે થઈ છે, જે એક મનોચિકિત્સક છે.
તેઓ મૅગડેબર્ગથી લગભગ 40 કિલોમીટર દૂર દક્ષિણમાં બર્નબર્ગમાં રહે છે.
પોલીસનું માનવું છે કે તેમણે આ હુમલો એકલાહાથે જ કર્યો છે.
અબ્દુલમોહસેન મૂળ સાઉદી અરેબિયાના રહેવાસી છે અને વર્ષ 2006માં તેઓ જર્મની પહોંચ્યા હતા. વર્ષ 2016માં તેમને શરણાર્થી તરીકે માન્યતા પ્રાપ્ત થઈ હતી.