આજે 25 ઑક્ટોબર મંગળવારે ભારત અને દુનિયાના કેટલાક ભાગમાં આંશિક સૂર્યગ્રહણ દેખાશે.
આ સૂર્યગ્રહણ યુરોપ, મધ્ય પૂર્વ, આફ્રિકાના ઉત્તર-પૂર્વ ભાગ, પશ્ચિમ એશિયા, ઉત્તર ઍટલાન્ટિક મહાસાગર અને હિન્દ મહાસાગરમાં દેખાશે.
આંશિક સૂર્યગ્રહણના ત્રણ તબક્કા હોય છે. શરૂઆત, મહત્તમ પૉઇન્ટ અને અંત.
અહેવાલો અનુસાર, ગુજરાતમાં કેટલાંક મંદિરો ગ્રહણ દરમિયાન બંધ રહેશે, તો અરવલ્લીનું શામળાજી મંદિર ગ્રહણ દરમિયાન ખુલ્લું રહેશે.
ભારત સરકારના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય અનુસાર, "25 ઑક્ટોબર, 2022ના રોજ આંશિક સૂર્યગ્રહણ દેખાશે. ભારતમાં સૂર્યાસ્ત પહેલાં ગ્રહણ શરૂ થશે.
મંત્રાલય તરફથી જારી નિવેદનમાં કહેવાયું છે, "ગ્રહણનો અંત ભારતમાં જોવા નહીં મળે, કેમ તે સૂર્યાસ્ત પછી પણ ચાલુ રહેશે."
આ ઉપરાંત દ્વારકા, ગાંધીનગરમાં પણ સૂર્યગ્રહણ જોવા મળશે.
મંત્રાલય અનુસાર, "ગ્રહણનો સમય શરૂથી લઈને સૂર્યાસ્ત સુધી દિલ્હી અને મુંબઈમાં ક્રમશઃ એક કલાક 13 મિનિટ અને એક કલાક 19 મિનિટનો રહેશે. ચેન્નાઈ અને કોલકાતામાં ગ્રહણની અવધિ શરૂથી લઈને સૂર્યાસ્ત સુધી અનુક્રમે 31 મિનિટ અને 12 મિનિટ રહેશે."