મુંબઈમાં ઓરીનો કેર, 233 કેસ અને 12 મૃત્યુ નોંધાયાં

ગુરુવાર, 24 નવેમ્બર 2022 (18:26 IST)
મહારાષ્ટ્રના મુંબઈમાં ઓરીના કેસ વધી રહ્યા છે. શહેરમાં ઓરીના 13 નવા કેસ નોંધાયા છે અને એકનું મૃત્યુ થયું છે.
 
બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (બીએમસી) અનુસાર, આ વર્ષે અત્યાર સુધી ઓરીના કુલ 233 કેસ સામે આવ્યા છે અને કુલ 12 લોકોનાં મૃત્યુ થયાં છે.
 
બીએમસીએ એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે, “બુધવારે લગભગ ઓરીના 30 દર્દીને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ સાથે 22 દર્દીને સાજા થયા બાદ હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.”
 
બીએમસીના સર્વેમાં ઓરીના 156 કેસ મળી આવ્યા છે. આ બીમારીની ચપેટમાં બાળકો વધુ આવી રહ્યાં છે.
 
મુંબઈ નજીક ભીવંડીમાં રહેતા આઠ મહિનાના ઓરીથી પીડિત બાળકનું મંગળવારે મૃત્યુ થયું હતું.
 
20 નવેમ્બરે બાળકના શરીર પર ચકામાં પડવાનું શરૂ થયું હતું. મંગળવાર સાંજે તેને બીએમસી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ થોડા જ કલાકોમાં બાળકનું મૃત્યુ થયું હતું. જોકે તપાસ બાદ જ મૃત્યુનું કારણ જાણી શકાશે.
 
અધિકારીઓએ છેલ્લા 24 કલાકમાં ત્રણ લાખથી વધુ લોકોની તપાસ કરી છે.
 
બીએમસીએ જણાવ્યું હતું કે, “તાવ અને શરીર પર પડેલાં ચકામાંના દરેક કેસમાં વિટામિન-એના બે ડોઝ આપવામાં આવે છે. બીજો ડોઝ 24 કલાકના અંતરે આપવામાં આવે છે.”

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર