ચા ભારતમાં ક્યારે આવી, કોણ લાવ્યું?

મંગળવાર, 15 ઑક્ટોબર 2013 (09:47 IST)
P.R
ચીન દેશના ૮૦૦ વર્ષ જૂના ચાના એક બગીચામાં ચીનની ચા પીરસવાની (TEA CEREMONY) પ્રણાલિકા બતાવવામાં આવી. લીલી ચાને માટીની કિટલીમાં મૂકી પાણી સાથે ઉકાળવામાં આવી. પછી તેમાંથી ચા બાજુમાં કાઢી નાખીને પાણીને ફેંકી દેવામાં આવ્યું અને ફરી તાજા પાણીમાં ચાને ઉકાળવામાં આવી અને ત્યાર બાદ ચા પીવા માટે આપી. બચેલી ચાની ભૂકી ફેંકી દેવાને બદલે દિવસમાં વધારે બે વખત એમાંથી ચા બનાવવામાં આવશે એમ કહેવામાં આવ્યું.

ચા આજે આખા દેશનું સર્વનું એટલું જાણીતું અને માનીતું પેય બનેલું છે કે, ભારતમાં પ્રાચીન કાળથી ચા પીવાતી હશે એવી માન્યતા થઈ શકે છે. પણ હકીકત તદ્દન જુદી છે.

ચાના ઇતિહાસની શરૂઆત એના નામથી કરીએ. ચા અને અન્ય પેયો માટે ચીનમાં પ્રાચીન કાળમાં ચીની લીપીમાં t’u લખવામાં આવતું. ત્યાર બાદ ઈ.સ. પૂર્વે ૩૦૦માં ચા એટલી બધી પ્રખ્યાત થવા લાગી કે એના માટે Ch’a લખાવાની શરૂઆત થઈ. આજે પણ બેઇજિન્ગ વિસ્તારમાં ચીની ભાષામાં એનો ઉચ્ચાર ટાહ એવો થાય છે અને શાંઘાઈ વિસ્તારમાં ચા એવો ઉચ્ચાર કરવામાં આવે છે. ઈ.સ. પૂર્વમાં કન્ફ્યુસિઅસના વખતમાં ચા બહુ પ્રખ્યાત પેય હતું. અને તે હાન સામ્રાજ્ય અને ટાંગ સામ્રાજ્ય બંને રાજ્યો દરમ્યાન ચીનનું રાષ્ટ્રીય પેય હતું. આ કાળ વખતે રાજાને નજરાણામાં ચા આપવાની રૂઢિ શરૂ થઈ. તે વખતે ચાનાં પાંદડાંમાંથી ચાની ઈંટો બનાવી રાખવામાં આવતી અને જરૂર પ્રમાણે ઈંટને વાટીને, પાણીમાં ઉકાળીને જરૂર પૂરતી ચા બનાવવામાં આવતી. દસમી સદીમાં સુંગ સામ્રાજ્ય વખતે લીલી ચાનો ઉપયોગ ચાલુ થયો. બુદ્ધધર્મી સાધુઓએ ચીનમાંથી જાપાનમાં ચાની ઓળખાણ કરાવી. તેરમી સદીમાં મોંગોલ રાજા કુબાલી ખાનના યુઆન સામ્રાજ્યમાં ચાનું આકર્ષણ ઓછું થયું. તે પછી મિંગ સામ્રાજ્યમાં ૧૪મી સદીમાં ફરીથી ચાની લોકપ્રિયતા વધવા લાગી અને કાળી ચા ઉકાળીને પીવાની શરૂઆત ચીનમાં થઈ. આજે પણ ચીન અને જાપાનમાં ચા તૈયાર કરવાની, પીરસવાની (આપવાની) અને પીવાની જુદી જુદી પદ્ધતિઓ (TEA CEREMONIES) સ્થાપિત થઈ છે.

પોર્ચુગીસ દેશમાંથી વાસ્કો ડી ગામા ૧૪૯૮માં કાલીકટ બંદરે આવ્યો ત્યારે પહેલી વાર યુરોપના દેશોને ભારત અને ચીન આવવાનો દરિયાઈ માર્ગ પ્રાપ્ત થયો. ચીનમાંથી ચા લાવવાની શરૂઆત ડચ અને પોર્તુગીસ વેપારીઓએ ૧૭મી સદીમાં કરી. ચા અને મસાલાનો ધંધો એટલો બધો નફાનો હતો કે જયારે બ્રિટિશ અન્વેષક ફ્રાન્સિસ ડ્રેક એક Tea Leaves જહાજ ભરીને પાછો આવ્યો ત્યારે એ જહાજની કિંમત રાણી એલિઝાબેથની આખા વર્ષની આવક કરતાં વધારે હતી! આ વેપારનો ફાયદો લેવા માટે ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બ્રિટિશ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી. અને ત્યાર પછી સ્પૅનિશ, ફ્રેંચ વગેરે દેશોએ પણ ધંધા માટે વસાહતો ચાલુ કરી. શરૂઆતમાં ફક્ત ધંધો કરવાના હેતુથી શરૂ થયેલી આ કંપનીઓ ત્યાર બાદ રાજકીય સત્તા મેળવવાની અભિલાષા કરવા લાગી અને અંતે બ્રિટિશ સામ્રાજ્યની ભારતમાં શરૂઆત થવામાં કારણભૂત બની.

પ્રથમ ડચ અને અંગ્રેજી લોકોમાં, અને પછી આખા યુરોપમાં ચાનું મહત્ત્વ વધવા લાગ્યું. ઇંગ્લેંડના રાજા ચાર્લ્સ બીજાની સ્પૅનિશ રાણી કેથરીને મહેલમાં અને ઉમરાવ વર્ગમાં ચા પીવાની પ્રથાની શરૂઆત કરી. લંડનના કૉફીગૃહોમાં હવે ચા પણ વેચાવા લાગી. ઈ.સ. ૧૮૦૦માં બપોરના ચા પીવાની શરૂઆત થઈ. સવારનાં જમણ અને રાતનાં જમણની વચ્ચે, બપોરે, ચા અને બિસ્કિટ લેવાની, અને એ બહાને સામાજિક રીતે એકત્ર થવાની, શરૂઆત થઈ. તે જ વખતે બગીચામાં બેસીને ચા પીવાની રૂઢિ સ્થાપિત થઈ. ૧૭મી સદીમાં અમેરિકાના ન્યૂ એમ્સ્ટરડેમ (અત્યારનું ન્યૂ યોર્ક) વિસ્તારમાં ડચ કંપનીઓએ ચા લાવવાની શરૂઆત કરી અને ત્યાર બાદ જયારે આ વિસ્તાર બ્રિટિશ રાજ્યના હાથમાં ગયો ત્યારે તેનું નામ ન્યૂ યોર્ક આપવામાં આવ્યું. અને આવી રીતે ન્યૂ યોર્ક, બોસ્ટન વગેરે વિસ્તારોમાં ચા પીવાનું સર્વસામાન્ય બન્યું. ઈ.સ. ૧૭૭૩માં ચાનો નવો કાયદો પસાર કરવામાં આવ્યો અને ચા ઉપર મોટા પ્રમાણમાં કર આયોજના કરવામાં આવી. અમેરિકન કોલોનીઓએ આનો સખત વિરોધ કર્યો. બોસ્ટન ગામમાં બોસ્ટન ચા-પાર્ટીના નામે આંદોલન થયું અને ચા પીવાનું બંધ કરવાનું એલાન થયું. ૧૯૦૪માં જાગતિક પ્રદર્શનમાં શિકાગોમાં પહેલી વખત બરફવાળી ઠંડી ચાની રજૂઆત કરવામાં આવી. અને ત્યાર બાદ અમેરિકન થોમસ Tea Bagsસુલીવને ચાની પડીકી (Tea Bag)ની શોધ કરી.
P.R

ભારતમાં ચા ક્યારે આવી?

બ્રિટનમાં ચીનથી ચા લાવવામાં આવતી પણ એ વધુ ને વધુ અઘરું થવા માંડ્યું, કારણ કે ચીનના રાજાએ સોના સિવાય સોદો કરવાનો ઇન્કાર કર્યો. નેપોલિયન સાથેના યુદ્ધમાં તે વખતે ઇંગ્લેંડ બધું સોનું વાપરી ચૂક્યું હતું. તે વખતે ઉત્તર ભારત (અત્યારનું પાકિસ્તાન)માંથી અફીણનાં જહાજો ભરીને ચીનમાં ગેરકાયદે ચોરી છૂપીથી ચાના બદલામાં અફીણ વેચવાનું શરૂ કર્યું જેને “અફીણ યુદ્ધ” (OPIUM WAR) કહેવવામાં આવે છે.

જોકે આસામનાં જંગલોમાં જંગલી ચા હજારો વર્ષોથી ઊગતી હતી પણ ભારતમાં આસામમાં ઈ.સ. ૧૮૩૭માં બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ચીનથી ૮૦૦૦૦ ચાનાં બી વાવીને ચાના બગીચાની શરૂઆત કરી. ૧૮૪૦માં આસામ ચા કંપનીએ મોટા પ્રમાણમાં ચાના બગીચાઓ શરૂ કર્યા. ૧૯૦૦ની સાલમાં ચાનું મોટામાં મોટું ઉત્પાદન આસામમાં શરૂ થયું. અને ચા ભારતનું લોકપ્રિય પેય બની ગયું. આજે ચાનું ૭૦% ઉત્પાદન ભારતમાં વપરાઈ જાય છે. આજે ભારતના દરેક શહેરમાં ચાની રેંકડીઓ જોવા મળે છે અને સવારનું છાપું અને ચા વગર દિવસની શરૂઆત થતી નથી.

વેબદુનિયા પર વાંચો