TOP NEWS: સંસદ હુમલા કેસમાં મુક્ત પ્રોફેસર ગિલાનીનું નિધન

શુક્રવાર, 25 ઑક્ટોબર 2019 (13:48 IST)

દિલ્હી વિશ્વવિદ્યાલયના પૂર્વ પ્રોફેસર એસએઆર ગિલાનીનું ગુરુવારની સાંજે નિધન થયું છે. તેમને વર્ષ 2001માં થયેલા સંસદ હુમલામાં આરોપી ગણાવવામાં આવ્યા હતા. જોકે, ત્યારબાદ સુપ્રીમ કોર્ટે તેમને આરોપમાંથી મુક્ત કરી દીધા હતા.

ગિલાનીના મૃત્યુનું કારણ કાર્ડિયાક અરેસ્ટ જણાવવામાં આવ્યું છે.

સમાચાર એજન્સી PTIની માહિતી પ્રમાણે ગિલાનીના પરિવારના સભ્યએ જણાવ્યું છે, "કાર્ડિયાક અરેસ્ટના પગલે ગુરુવારની સાંજે તેમનું મૃત્યુ થયું છે."

વર્ષ 2016માં પ્રોફેસર ગિલાની પર એ આરોપ લાગ્યો હતો કે તેમણે નવી દિલ્હી સ્થિત પ્રેસ ક્લબ ઑફ ઇન્ડિયામાં સંસદ હુમલાના આરોપી અફઝલ ગુરુની વરસી પર એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

ત્યારે તેમની વિરુદ્ધ દેશદ્રોહનો કેસ પણ દાખલ થયો હતો.

ગિલાનીના સહયોગી રહી ચૂકેલા લેખક અને પ્રોફેસર સુધીશ પચૌરીએ બીબીસી સંવાદદાતા સંદીપ રાયને જણાવ્યું કે 'ગિલાની ખૂબ શાંત સ્વભાવના વ્યક્તિ હતા. સંસદ હુમલા મામલે તેમનું નામ આવ્યા બાદ તેમને કૉલેજમાંથી પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.'
 

પચૌરીએ જણાવ્યું, "કૉલેજમાં તેમની વધારે ઓળખાણ ન હતી. તેઓ આવતા હતા અને એક જગ્યાએ બેસી જતા. અમે લોકો આશ્ચર્યમાં હતા કે તેમનું નામ સંસદ હુમલા કેસમાં કેમ આવ્યું?"

એસ. એ. આર. ગિલાની સાથે નજીકના સંબંધ ધરાવતા લોકોનું કહેવું છે કે તેઓ મૂળ કાશ્મીરના બારામુલ્લ જિલ્લાના રહેવાસી હતા.

ભારતીય સંસદ પર 13 ડિસેમ્બર 2001ના રોજ થયેલા હુમલામાં સામેલ હોવાની શંકા પર તેમની ધરપકડ થઈ હતી.

પોટા કાયદા અંતર્ગત ગિલાની સાથે અફઝલ ગુરુ અને શૌકત હુસૈનની પણ ધરપકડ થઈ હતી. આ મામલે ગિલાનીને પણ ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી.

આ સજા વિરુદ્ધ ગિલાની સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હતા, જ્યાં તેમને આરોપમાંથી મુક્ત કરાયા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર