#PM Birthdayપીએમ મોદી વિશે વડનગરથી જાણવા મળેલી કેટલીક જાણી અજાણી વાતો

શુક્રવાર, 7 સપ્ટેમ્બર 2018 (16:07 IST)
દેશના વડાપ્રધાન અને વડનગરના નિવાસી નરેન્દ્ર મોદી પોતાના 68મા જન્મદિવસની ઉજવણી   ગુજરાતમાં કરવાના છે. જયારે  સરકાર આ દિવસ સેવા દિવસ તરીકે ઉજવવાનું વિચારે છે. મોદીના ભૂતકાળમાં નજર નાખીએ તો જાણવા મળશે કે તેઓએ યુવાનીથી લઈને આરએસએસ અને બીજેપીમાં સક્રિય થયા ત્યાં સુધી અનેક વેશ પોતાના જીવનમાં ભજવી ચૂક્યા છે.  મોદી દ્વારા લખવામાં આવેલી ડાયરીના પાનાઓને સંકલિત કરી ‘સાક્ષીભાવ’ ટાઈટલ સાથે પ્રગટ કરવામાં આવેલા પુસ્તકમાં મોદીએ પોતાના જીવનને રંગમંચના પાત્ર સાથે સરખાવી હતી.  પોતાના લુક્સ માટે હંમેશા સજાગ રહેનારા મોદી નાનપણથી જ અલગ-અલગ સ્ટાઈલ અપનાવતા રહ્યા છે.  

 નાનપણથી જ મોદી આરએસએસની શાખામાં સક્રિય હતા. હિમાલયના એકાંતવાસથી પરત આવ્યા બાદ તેઓ અમદાવાદ આવીને આરએસએસમાં સક્રિય થયા હતા. આરએસએસના પ્રચારકની ભૂમિકામાં મોદી પોતાની વાક છટાથી લોકોને મોહિત  કરતા હતા. સંઘ પ્રચારક મોદી ક્યારેક માત્ર મૂછોમાં નજરે પડતા તો ક્યારેક કાળી દાઢીમાં. નાનપણમાં ભણતરથી વિશેષ ઈતર પ્રવૃત્તિઓમાં મોદીને રસ કંઈક વિશેષ જ હતો. તેમાં ખાસ નાટકોમાં પોતાના પાત્રને યોગ્ય રીતે નિભાવવા માટે મોદી પોતાના લુક્સનું ખાસ ધ્યાન રાખતા. આ ઉપરાંત ઈન્દિરા ગાંધીએ લાદેલી ઈમરજન્સી દરમિયાન અંડરગ્રાઉન્ડ થયેલા મોદી ક્યારેક સરદારજીના વેશમાં તો ક્યારેક વૃદ્ધ વ્યક્તિના વેશ ધારણ કરીને પોતાની પ્રવૃત્તિઓ ચાલુ રાખી હતી.  નરેન્દ્ર મોદીના પિતા દામોદરદાસ વિશે બહુ ઓછી વાતો બહાર આવી છે. નજીકના લોકો કહે છે કે મોદી તેમનાં માતાથી બહુ નજીક છે તો સેવા અને સહકારની ભાવનાઓ તેમના પિતા તરફથી વારસામાં મળેલી છે. નરેન્દ્ર મોદીના પિતાએ એક મુસ્લિમ કિશોરને ભણવા માટે તેમના નાનકડા ઘરમાં આટલા સભ્યોની વચ્ચે પણ રાખી તેને સાચવ્યો હતો.

 વડનગરની નજીક કેસીમ્પા ગામનો અબ્બાસ અલી મોમીન નામનો એક કિશોર રોજ ગામથી ભણવા માટે વડનગર આવતો હતો. અબ્બાસના પિતા ખેડૂત હતા અને ગંજ બજારના કામે છાશવારે વડનગર આવતા હતા. તેમની અને દામોદરદાસની દોસ્તી હતી. અબ્બાસ જ્યારે સાતમા ધોરણમાં હતો ત્યારે તેના પિતા ગુજરી ગયા. જ્યારે એ દસમા ધોરણમાં આવ્યો ત્યારે રોજ ગામ અને વડનગર વચ્ચે અપ-ડાઉન કરવાનું મુશ્કેલ થઇ ગયું. અબ્બાસે આ સમસ્યા દામોદરદાસ મોદીને કહી. તેમણે અબ્બાસને પોતાના ઘરે રહેવાની વ્યવસ્થા કરી આપી. અબ્બાસ અલી કહે છે કે તેમને મોદી પરિવારમાં એક સભ્યની જેમ રાખવામાં આવ્યો હતો. એક વરસ સુધી તેમણે મને સાચવ્યો જેના લીધે હું ઉચ્ચ શિક્ષણ મેળવી શક્યો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર