યુવાન પુરુષ સફળતા માટે ખતરનાક શોર્ટકટ અપનાવે છે પણ તેની મહત્વકાંક્ષાઓ તેને ડાયમંડ માફિયાની જાળમાં ફસાવી દે છે. તેમાંથી બહાર નીકળવા માટે શું કરે છે તે યુવાન પુરુષ, તેના પર આધારિત છે 'બ્લડ મની'
ડાયમંડ કોઈને પણ આકર્ષી શકે છે અને અમુક વાર આ ડાયમંડ તમને કોઈ ચાલમાં ફસાવી શકે છે. કુનાલ (કુનાલ ખેમુ) હિરાના તેજથી અંજાઈ જાય છે. કેપ ટાઉન સ્થિત મોખરાની ડાયમંડ કંપનીમાં નોકરી મળતા જ તે પૈસા અને પાવરથી લલચાઈ જાય છે. એક મોટી હીરાની જાળમાં ફસાઈ જતા, આરજુ (અમ્રિતા પૂરી) સાથેની કુનાલની પરીઓની દંતકથા જેવી જિંદગી ધીમે ધીમે નર્કસમાન બનતી જાય છે. મુંબઈમાં એક સમયે પિઝાની ડિલીવરી કરતો યુવક ઈન્ટરનેશનલ ડાયમંડ માફિયાઓ, ગેરકાનૂની હથિયારોના વેપારી અને ઠંડા કલેજાના ગુનેગારોના હાથમાં ફસાઈ જાય છે. ગુનાઓની આ શ્રેણીમાં સૌથી પહેલા વારો આવે છે તેના જ બોસ ઝવેરી (મનિષ ચૌધરી)નો. આખરે તેની પાસે બે જ વિકલ્પ વધે છે- સફળતા માટે પોતાનો આત્મા વેચી નાંખવો કે પછી ખૂનની હોળી રમવી.
મહત્વકાંક્ષી યુવકમાંથી પૈસા અને પાવરનો લાલચુ બનતો કુનાલ ખેમૂ સબળ લાગે છે. ફિલ્મનો પહેલો હિસ્સો સબળ છે. બીજા ભાગમાં જ્યારે વાર્તામાં વળાંક આવે છે ત્યારે તેનું પાત્ર વધારે મજબૂત બનતું જાય છે. ક્રોધ, નિરાશા અને બદલાની લાગણીઓ તેણે બહુ જ સારી રીતે વ્યક્ત કરી છે.
અમ્રિતા પૂરી એક ઘરેલુ પત્નીના રોલમાં છે જે ચૂપચાપ પતિની બધા જ ખોટા કામોને સહન કરે છે. તે આકર્ષક છે પણ તેને કુનાલ સાથેની કેમિસ્ટ્રિ દેખાડવાની તક નથી મળી.
P.R
હંમેશા સિગાર પિતા બોસના પાત્રમાં મનિષ ચૌધરી પ્રભાવશાળી છે. જૂની ફિલ્મોના વિલન-રણજીતની જેમ તે દરેક વાતને અંતે 'સુપર્બ' બોલતો રહે છે. ભટ્ટ કેમ્પનો ફેવરિટ, સંદિપ સિકંદ, કાવતરા ખોર ભાઈની ભૂમિકામાં ખાસ પ્રભાવશાળી નથી.
મિયા ઉદેયાને માત્ર અંગપ્રદર્શન માટે લેવાઈ છે જેને કુનાલને ફસાવવા માટે મધની જેમ વાપરવામાં આવી છે.
આ ફિલ્મમાં ભટ્ટ ફિલ્મના ટ્રેડમાર્ક સમાન બધા જ ટોપિંગ્સ છે- ડ્રામા, ઈમોશન, ટ્રેજેડી અને સેક્સ. ફિલ્મમાં બે સ્ત્રીઓ વચ્ચેના ઉત્તેજક બેડરૂમ સીન્સ બતાડાયા છે. નવોદિત ડાયરેક્ટર વિશાલે વાર્તાનું સુંદર વર્ણન કર્યું છે પણ અમુક દ્રશ્યોને બહુ ખેંચવામાં આવ્યા છે અને પ્રત્યાઘાત પેદા કરવા માટે ખાસ્સા પ્રયાસો કર્યાં છે. ફાસ્ટ પેસ, વધુ પ્રભાવશાળી સંવાદો, કુનાલના અવાજમાં થોડો વધારે દમ અને સારુ બેકગ્રાઉન્ડ સંગીત ફિલ્મને વધારે સ્ટાર અપાવી શક્યા હોત.