ગૌતમને વેરોનિકા ગમે છે. વેરોનિકા પણ તેને પસંદ કરે છે. ગૌતમને મીરા સાથે પ્રેમ થઈ જાય છે? હવે મીરા શું કરશે? ત્રણ ખાસ મિત્રો લાગણીઓના વંટોળમાં સપડાઈ જાય છે.
હોમી અડાજનિયાની 'કોકટેલ' જીવનની સુંદર ક્ષણોને એક થાળીમાં પીરસી દે છે અને તે પણ સુંદર અને આકર્ષક રીતે. તેમાં લંડન, કેપ ટાઉન અને દિલ્હીના રંગો અને લાગણીઓનો સ્વાદ ઉમેરીને બનાવી છે 'કોકટેલ'. લવસ્ટોરીમાં 2 વ્યક્તિ હોય ત્યા સુધી વાંધો નથી પણ જ્યારે 3 વ્યક્તિ પ્રવેશે છે ત્યારે પરિસ્થિતિ ડામાડોળ થઈ જાય છે. પહેલા તો યુકેમાં વસેલા 3 ભારતીય મિત્રોની અંતરંગ મિત્રતાની અમુક મજેદાર ક્ષણો માણવા મળે છે અને પછી તેમની લાગણીઓ એકબીજાના રસ્તા કાપવાની શરૂઆત કરી દે છે.
P.R
ફ્લર્ટી ગૌતમ કપૂર (સૈફ અલી ખાન), પૈસાદાર બગડેલી વેરોનિકા (દીપિકા) અને સીધી-સાદી સરળ મીરા (ડાયના) એક સાથે 'દારૂ દેશી' અને 'તુમ્હી હો બંધૂ' ગાતા ગાતા મજાના દિવસો પસાર કરતા હોય છે. શરૂઆતમાં એકદમ જંગલી પણ પ્રેમાળ વેરોનિકા અને બિન્દાસ અને બેશરમ ફ્લર્ટ ગૌતમ એકબીજા સાથે કોઈ કમિટમેન્ટ વગરના રિલેશનશીપમાં ખુશ હોય છે. આ બન્ને સાથે વેરોનિકાની ખાસ મિત્ર મીરા પણ રહેતી હોય છે, જે તે બન્નેના રસ્તામાં ન આવીને પોતાની લાઈફ માણતી હોય છે.
ઈમ્તિયાઝ અલીએ લખેલી આ ફિલ્મની સ્ક્રિપ્ટની ઈન્ટરવલ પહેલા ત્રણેય મુખ્ય કલાકારો વચ્ચે અદ્દભુત કેમિસ્ટ્રી જોવા મળે છે. ફિલ્મની અમુક હળવી કોમિક ક્ષણો (ગુટલુ ઉર્ફે ગૌતમ કપૂરની ટિપીકલ પંજાબી માતા ડિમ્પલ કપાડિયાના સહકાર સાથે) અને પ્રિતમના રોકિંગ ગીતો તમને થોડી જ વારમાં નાઈટ ક્લબના વાતાવરણમાં લઈ જશે. તમે પણ આ સાથે ગીતો ગાવા લાગશો અને થિયેટરમાં ઊભા થઈને ડાન્સ કરવાનું પણ મન થઈ આવશે. અલબત્ત, થોડીક નિરાશાજનક ક્ષણો પણ આવે છે. ફિલ્મના ગીતો જોરદાર છે અને કોમેડી દ્રશ્યો તમને હસાવશે પણ મુખ્ય પાત્રો વચ્ચે થતી લાંબી વાતો તમને કંટાળો આપી શકે.
વેરોનિકા અને મીરાના પાત્રો એટલે કે બે યુવતીઓ વચ્ચેની મિત્રતા ઘણી વાસ્તવિક લાગે છે પણ જ્યારે વાત આવે છે આ બન્નેની સૈફ સાથેની મિત્રતાની ત્યારે થોડું અવાસ્તવિક લાગે છે. વેરોનિકા અને ગૌતમનો રિલેશન એકદમ હળવો બતાવાયો છે ત્યારે મીરા માટેનો ગૌતમનો પ્રેમ થોડો વધારે ઊંડો દેખાડી શકાયો હોત. એકબીજાને પામવાની જે લાગણી અને ઉત્કંઠા 'જબ વી મેટ' અને 'લવ આજ કલ'માં જોવા મળી હતી તે અહીં મિસિંગ છે. મુદ્દાની વાત કરીએ તો શહેરી ભારતમાં રહેતા યુવાનો આ ફિલ્મના 3 મુખ્ય પાત્રો અને તેમની લાગણી સાથે પોતાને સરળતાથી સાંકળી શકશે. તેમની વચ્ચેની બોન્ડિંગ અને મોજ-મસ્તીની ક્ષણો તમને સ્પર્શી જશે.
બીજા ભાગમાં ફિલ્મની વાર્તા ગંભીર વળાંક લે છે જ્યારે ત્રણેય વચ્ચેની મિત્રતા પ્રેમમાં પરિણમે છે. હા, ઈન્ટરવલના સમયે જ રચાય છે આ પ્રણય ત્રિકોણ. ઈન્ટરવલ પછી શરૂ થાય છે બોલિવૂડની દાયકા જૂની પ્રણય ત્રિકોણ વાળી ગંભીર પ્રેમકહાણી.
'કોકટેલ'માં અમુક અદ્દભુત પોઈન્ટ્સ છે. એક તો છે દીપિકા પાદુકોણનું જબરદસ્ત પરફોર્મન્સ. તેની પાંચ વર્ષની કારકીર્દિમાં અત્યાર સુધીનો તેનો શ્રેષ્ઠ અભિનય; આખી ફિલ્મ દરમિયાન દીપિકા ગ્લેમરસ અને સેન્સેનલ લાગે છે. યુવકો ચોક્કસ ઈચ્છશે કે કેમેરા થોડી વધારે વાર સુધી દીપિકાની રેડ હોટ બિકીની બોડી પર ટક્યો હોત. ચોક્કસ આ પૈસાદાર-બગડેલી-વંઠેલી-છતાં દિલથી સોનેરી વેરોનિકા એટલે કે દીપિકાનો અભિનય નોંધપાત્ર, પ્રશંસનીય અને લગભગ ખામીરહિત છે.
સૈફનો અભિનય અમુક હિસ્સામાં કમાલ છે તો અમુકમાં નિરસ છે. ડાયના પેન્ટિ સ્ક્રિન પર ઘણી સુંદર અને નિર્દોષ દેખાય છે તેમ છતાં તેને થોડા પોલિશિંગની જરૂર છે.
લગ્નનો બનાવટી ધંધો કરતા લંપટ પુરુષના રોલમાં રણદિપ હુડા તદ્દન વેડફાયો છે.
પ્રિતમના સંગીતને પહેલાથી જ ઉત્સાહજનક રિસપોન્સ મળ્યો છે અને ચોક્કસ જ ચાર્ટબસ્ટર છે. 'તુમ્હી હો બંધૂ' અને 'દારૂ દેશી' અત્યારે ટોપ પર છે તો 'યારીયા' અને 'જુગની' ઊંડી ભાવનાઓવાળા ગીત છે.
ડાયલોગ્સ રમૂજી છે; અમુક લાઈનો તો રમૂજનો પણ અતિરેક કરે છે જેમ કે- 'મારા ઓવનમાં તારું બન લઈને ફરુ છું' અને 'તુ એકલી છે અને હું કેરેક્ટરલેસ છું.' તેમ છતાં, 'કોકટેલ'માં આજની યુવાનોને સાંકળી શકે તેવી વાત છે.