કોરોનાના બે વર્ષ અંબાજી સહિતના મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર, 1 લાખ લોકોએ માં અંબાના કર્યા દર્શન

મંગળવાર, 27 સપ્ટેમ્બર 2022 (09:46 IST)
વિક્રમ સંવત 2078 અશ્વિન શુક્લ પક્ષ પ્રતિપદા શારદીય નવરાત્રીનો સોમવારથી પ્રારંભ થયો છે. 4 ઓક્ટોબર સુધી ચાલનારી નવરાત્રીના પ્રથમ દિવસે સોમવારે કોરોનાના બે વર્ષ બાદ શક્તિપીઠ અંબાજી સહિતના દેવી મંદિરોમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા.
 
બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલા અંબાજી ખાતેના શક્તિપીઠ અંબાજી મંદિરના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા. પ્રથમ નોરતે એક લાખથી પણ વધુ શક્તિ ઉપાસકોએ માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હોવાનુ ટ્રસ્ટના સૂત્રોએ જણાવ્યું હતું. અંબાજી મંદિરમાં નવરાત્રિ દરમિયાન, આસોજ સુદ એકમ, 26 સપ્ટેમ્બર, સોમવારે સવારે સ્થાપના કરવામાં આવી હતી. શક્તિ ઉપસના પર્વ શરદીય નવરાત્રીના પાવન દિવસો દરમ્યાન માતાજીની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. 
 
આસુરી શક્તિ પર દેવી શક્તિનો વિજય થાય તે માટે ખાસ નવદુર્ગાની ઉપાસના સાથે નવ દિવસ દરમ્યાન નિત્ય માતાજીના ભોગમાં પણ વિવિધ વાનગીઓ પીરસવામાં આવે છે. આઠમના દિવસે માતાજીને ફળાહાર સાથે નોમના દિને કુંવારી કન્યાઓને ભોજન અને દશેરાના અઢાર થાળ ધરાવવામાં આવે છે. એ સાથે મંદિર પૂજારી દ્વારા સંપૂર્ણ ભ્રહ્મચર્યનુ પાલન કરી નવ દિવસ માં નવદુર્ગાનુ અનુસ્થાન ઉપવાસ અને ઉપાસના સાથે કરવામાં આવતી હોવાની પ્રાચીન પરંપરા આજે પણ નિભાવાય છે.
 
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ પણ અંબાજી મંદિરની મુલાકાત લીધી હતી. આ દરમિયાન ત્યાં હાજર ભક્તોએ મોદી-મોદીના નારા લગાવ્યા હતા. 
 
જૂનાગઢના વાઘેશ્વરી મંદિરે મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતા. ગિરનાર પર્વત માર્ગ પર આવેલા વાઘેશ્વરી મંદિરે નવરાત્રિના પ્રથમ દિવસે સોમવારે મોટી સંખ્યામાં ભક્તો અહીં પહોંચ્યા હતા.
 
વડોદરાના દેવી મંદિરોમાં ભક્તોએ દર્શન કર્યા હતા
સોમવારે શહેર અને જિલ્લાના દેવી મંદિરોમાં ભક્તોએ દર્શન કર્યા હતા. શહેરના ઘડીયાળી પોળ ખાતે આવેલ અંબા માતાનું મંદિર, કારેલીબાગ ખાતે આવેલ બહુચર માતાનું મંદિર, પાદરા તાલુકાના રણુ ગામે આવેલ તુલજા ભવાની માતાના મંદિર સહિતના દેવી મંદિરોમાં ભક્તોએ દર્શન કર્યા હતા.
 
નવરાત્રિના પ્રથમ દિવસે જૂનાગઢના ગિરનાર પર્વત પર આવેલા અંબા માતાના મંદિરે મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કર્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે ચામુંડા માતાનું મંદિર, મહેસાણા જિલ્લાના બહુચરાજી ખાતે બહુચર માતાનું મંદિર, અમદાવાદના લાલ દરવાજા ખાતેના નગર દેવી ભદ્રા કાલી માતાના મંદિરે પણ આ વર્ષે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર