આ યાદીમાં 40 સ્ટાર પ્રચારકોના નામ જાહેર કર્યા છે. આ યાદીમાં સીએમ કેજરીવાલનું નામ પ્રથમ સ્થાને છે અને તેમની પત્ની સુનીતા કેજરીવાલનું નામ બીજા સ્થાને છે. ગોપાલ ઈટાલિયા અને પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાને પણ સ્ટાર પ્રચારકોની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું હતું. ત્યારે અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયાએ આમ આદમી પાર્ટીની તમામ જવાબદારીઓ અને પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપ્યું છે.
લોકસભાની ચૂંટણીમાં સ્ટાર પ્રચારક તરીકે જાહેર કર્યા હતાં
અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ આમઆદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીને રાજીનામું મોકલી આપ્યું છે. તેમણે રાજીનામામાં લખ્યું છે કે, હું પાર્ટીની તમામ જવાબદારીઓમાંથી મુક્ત થાઉ છું અને પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપું છું. ઉલ્લેખનીય છે કે, અલ્પેશ કથિરીયાને આમ આદમી પાર્ટીએ સુરતમાં વરાછા બેઠક પરથી વિધાનસભાની ટીકિટ આપી હતી. જેમાં તેઓ ભાજપના કુમાર કાનાણી સામે હારી ગયા હતાં. ત્યાર બાદ પાર્ટીએ બે દિવસ પહેલાં જ તેમને લોકસભાની ચૂંટણીમાં સ્ટાર પ્રચારક તરીકે જાહેર કર્યા હતાં. હવે તેમના રાજીનામાથી રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. બંને જણા ભાજપમાં જોડાશે કે નહીં તેવી ચર્ચાઓએ વેગ પકડ્યો છે.
આમ આદમી પાર્ટીના 40 સ્ટાર પ્રચારકોની યાદી
સ્ટાર પ્રચારકોની યાદી બહાર આવે તે પહેલા જ એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે આ વખતે અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલ લોકસભા ચૂંટણીમાં મોટી જવાબદારી નિભાવી શકે છે. ત્યારે હવે લિસ્ટ આવ્યા બાદ તે સ્પષ્ટ થઈ ગયું છે કે, તેઓ ગુજરાતમાં આમ આદમી પાર્ટી માટે પ્રચાર કરશે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી દિલ્હીની જેમ કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી રહી છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ તેમના પત્ની સુનીતા કેજરીવાલ ખૂબ જ એક્ટિવ થયા છે. તેમણે દિલ્હીના લોકો સામે સીએમ કેજરીવાલનો સંદેશ ઘણી વખત વાંચ્યો છે. આ સાથે તેમણે પાર્ટીના નેતાઓ સાથે બેઠક પણ કરી છે અને હવે તે પાર્ટીના ઉમેદવારો માટે પ્રચાર કરશે. આમ આદમી પાર્ટીના 40 સ્ટાર પ્રચારકોની યાદીમાં મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનના નામ પણ છે. મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન અને અરવિંદ કેજરીવાલ ત્રણેય હાલમાં જેલમાં છે.
અલ્પેશ કથિરીયાની વિધાનસભામાં હાર થઈ હતી
અલ્પેશ કથીરિયા, ગોપાલ ઈટાલિયા અને ઈસુદાન ગઢવીને ગુજરાતમા સ્ટારપ્રચારકોની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ સિવાય હેમંત ખાવા,જગમાલભાઈ વાળા, પ્રવિણ રામ,યુવરાજસિંહ જાડેજા, રેશ્માબેન પટેલ, કરશન ભદરકા બાપુને પણ સ્થાન મળ્યું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અલ્પેશ કથિરીયા વરાછામાં કુમાર કાનાણી સામે આમ આદમી પાર્ટી તરફથી ચૂંટણી લડ્યા હતાં પણ તેમની હાર થઈ હતી. ગોપાલ ઈટાલિયા અને ઈસુદાન ગઢવી પણ હારી ગયા હતાં. જ્યારે વિસાવદર બેઠક પરથી ભૂપત ભાયાણી જીત્યા હતાં અને હવે તેઓ ભાજપનો ખેસ ધારણ કરીને બેસી ગયાં છે.