Dhoni vs Hardik Pandya : ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઈ સુપરકિંગ્સની મજબૂત ટીમોમાંથી કોણ જીતશે આઈપીએલ 2023?

રવિવાર, 28 મે 2023 (10:44 IST)
એક જ આઇપીએલમાં આટલી બધી રોમાંચક મૅચ, છેલ્લા બૉલ સુધી પરિણામની રાહ જોવી પડે તેવી તીવ્ર રસાકસી, સિક્સરનો વરસાદ અને ચોગ્ગાનું ઘોડાપૂર. કેટલાક પ્રતિભાશાળી ક્રિકેટર્સનું આગમન, અનુભવીઓની બોલબાલા અને વિદેશી ક્રિકેટર્સની પણ કમાલ. 
 
ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલનો 15 વર્ષ અગાઉ પ્રારંભ થયો ત્યારે કોઈએ કલ્પના કરી ન હતી કે આ ટી20 ક્રિકેટ લીગ આટલી બધી લોકપ્રિય બનશે. લોકપ્રિયતા તો ચાલો પ્રયત્ન કરવાથી પણ મળી શકે છે અને માર્કેટિંગના આ જમાનામાં ટુર્નામેન્ટને લોકપ્રિય બનાવી શકાય છે પરંતુ ક્રિકેટપ્રેમીઓ માત્ર તેની જ ચર્ચા કરે તેમ બનવું સાવ આસાન બાબત નથી. 2023ની આ આઈપીએલ સિઝને ઘણા નવોદિત ક્રિકેટરો આપ્યા, જેમાંથી કેટલાક ક્રિકેટરો તો ભારતીય ક્રિકેટના ભાવિ સુપરસ્ટાર પણ માનવામાં આવી રહ્યા છે. 
 
હવે વાત કરીએ આ વખતની આઇપીએલની જેમાં ખેલાડીઓએ ખરેખર કમાલ કરી નાખી છે. માત્ર બેટિંગ જ નહીં પરંતુ બૉલિંગમાં પણ કમાલ જોવા મળી અને અંતે બે સર્વશ્રેષ્ઠ ટીમનો ફાઇનલમાં પ્રવેશ થયો.મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રવિવારે ગુજરાત ટાઇટન્સની ટીમ ચેન્નઈ સુપરકિંગ્સ સામે ટકરાશે ત્યારે જે રોમાંચ જોવા મળશે તેની કલ્પના થઈ શકતી નથી અને અત્યારે આ મૅચ નિહાળવા માટે જે રીતે ટિકિટ માટે પડાપડી થઈ રહી છે તે જોતાં તો એમ લાગે છે કે રવિવારે સમગ્ર દેશની નજર વિશ્વના આ સૌથી મોટા અને ભવ્ય સ્ટેડિયમ પર જ રહેશે.
 
માત્ર સ્ટેડિયમ નહીં પરંતુ મહેન્દ્રસિંહ ધોની પણ આ મૅચમાં આકર્ષણ રહેશે કેમ કે ધોની તેમની કારકિર્દીના અંત ભાગ તરફ આગળ ધપી રહ્યા છે. તેઓ ગમે ત્યારે નિવૃત્તિ જાહેર કરી શકે તેવી ચર્ચાઓ આઈપીએલ શરૂ થયું ત્યારથી ચાલે છે. ક્રિકેટના ચાહકો પણ મીટ માંડીને બેઠા છે કે ક્યાંક આ ધોનીની અંતિમ આઈપીએલ મૅચ તો નથી.
 
જોકે ધોનીએ આ અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી.  ધોની જેવા વિચક્ષણ કૅપ્ટન અને ચબરાક વિકેટકીપર કદાચ જ કોઈ બીજું થયું હશે.  ધોનીની સામે પક્ષે છે ભારતીય ટીમમાં તેમની જ નીચે તૈયાર થયેલા હાર્દિક પંડ્યા. ધોનીને પોતાના ગુરુ માનતા હાર્દિક પંડ્યા પણ એ જ માર્ગે જઈ રહ્યા છે. હાર્દિક પંડ્યામાં ટીમને સતત સફળતા અપાવવી, મેદાન પર શાંત રહેવું, ગમે તેવી પરિસ્થિતિમાં અકળામણ નહીં દાખવવાની, આ તમામ લક્ષણો ધોની જેવાં જ છે.
 
આ જ કારણે રવિવારે કોણ ચૅમ્પિયન બનશે તે કહેવું મુશ્કેલ છે.  આઇપીએલના ઇતિહાસમાં સૌથી વધારે ફાઇનલ મૅચ રમવાનો અનુભવ ધરાવતી એક ટીમ છે તો બીજી ટીમને તો જાણે હવે ફાઇનલ રમવાની આદત પડી ગઈ છે.
 
એક તરફ ધોનીની ટીમ છે જેને ફાઇનલ મૅચ રમવાનો સારો એવો અનુભવ થઈ ગયો છે અને બીજી તરફ હાર્દિક પંડ્યાની ગુજરાત ટાઇટન્સને પોતાની પ્રથમ જ આઇપીએલમાં ફાઇનલ રમીને જીતવાની તક મળી હતી.  આમ તો ચેન્નાઈની સરખામણીએ આઇપીએલના અનુભવમાં ગુજરાત ટાઇટન્સ એકદમ નવી ટીમ કહી શકાય પરંતુ તેના ખેલાડીઓ ઘણું ક્રિકેટ રમી ચૂક્યા છે. ગુજરાત ટાઇટન્સ પાસે શુભમન ગિલ છે હુકમનો એક્કો સાબિત થઈ શકે છે. 
 
સચીન-વિરાટની લીગમાં સામેલ થયા ગિલ
 
ગિલ અત્યારે ભારતના નવોદિત ક્રિકેટરોમાં પણ મોખરે છે અને તેમને ભારતીય ક્રિકેટનું ભાવિ માનવામાં આવે છે.  સચીન તેંડુલકરથી શરૂ કરીને વિરાટ કોહલી સુધીના તમામ ખેલાડીમાં હવે ગિલનું નામ ઉમેરાયું છે. ગિલમાં એ પ્રતિભાના દર્શન થઈ રહ્યા છે જે એક સમયે સચીન કે કોહલીમાં થતા હતા.
તેઓ ટેસ્ટ, વન-ડે, ટી20 અને હવે આઈપીએલમાં સદી ફટકારી ચૂક્યા છે. એમાંય આ સિઝનમાં તો તેઓ જોરદાર ફૉર્મંમાં છે. તેઓ રમતા હોય ત્યારે ભાગ્યે જ એવું પ્રતિત થાય કે તેઓ હમણાં આઉટ થઈ જશે. 
 
હજી શુક્રવારે જ બીજી ક્વૉલિફાયરમાં તેમણે મુંબઈ સામે જે રીતે બેટિંગ કરી તે જોતાં જ ખ્યાલ આવી ગયો હતો કે મૅચ તો અહીં જ પૂરી થઈ ગઈ છે.
તેમની સદી બાદ ગુજરાતના 227 રનના સ્કોરે મૅચને ઔપચારિક બનાવી દીધી હતી ભલે હરીફ ટીમમાં રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવ જેવા બૅટ્સમૅન હતા પણ ગિલે જે તોફાની બેટિંગ કરી તે અજોડ હતી. આ સિઝનમાં તેઓ ત્રણ સદી ફટકારી ચૂક્યા છે તો સાથે-સાથે તેમના નામે ચાર અડધી સદી પણ છે અને સીઝનમાં સર્વોચ્ચ એટલે કે 851 રન પણ તેમના નામે છે.
 
આમ રવિવારની ફાઇનલમાં ધોનીએ આ ઓપનર માટે ખાસ યોજના ઘડવી પડશે. ગિલ સિવાય પણ છે ઘણાં આકર્ષણ આ ઉપરાંત રિદ્ધિમાન સહા, હાર્દિક પંડ્યા, ડેવિડ મિલર અને છેલ્લે છેલ્લે ફૉર્મમાં આવેલા સાઈ સુદર્શન છે. આ તમામ બૅટ્સમૅનની સાથે સાથે રાશીદ ખાન અને રાહુલ તેવટિયા છે જે અંતિમ ઓવરોમાં ઝંઝાવાત સર્જી શકે છે.
 
બૉલિંગમાં પણ ગુજરાત ટાઇટન્સ કદાચ આ સિઝનની તમામ ટીમો કરતાં વધારે સારું આક્રમણ ધરાવે છે જેની આગેવાની મોહમ્મદ શમીએ લીધેલી છે. શમી અને રાશીદ ખાન વર્લ્ડ ક્લાસ છે. શમીએ તો 28 વિકેટ ઝડપી છે તો તેની પાછળ પાછળ 27 વિકેટ સાથે રાશીદ ખાન છે.
 
આ બંનેની ઉમદા બૉલિંગમાંથી શીખીને જે રીતે મોહિત શર્મા અને અફઘાન બૉલર નૂર અહેમદ બૉલિંગ કરીને સફળતા હાંસલ કરી રહ્યા છે તેમની પર ટીમનો ભરોસો છે. આ ઉપરાંત ખુદ સુકાની હાર્દિક પંડ્યા છે જેમને બૉલિંગ કરવાની ભાગ્યે જ જરૂર પડી. 
 
બીજી તરફ ચેન્નઈ સુપરકિંગ્સ છે જેની પાસે પણ બેટિંગ અને બૉલિંગમાં કોઈ કમી નથી અને તેમનું સૌથી મોટું જમા પાસું કૅપ્ટન ધોની છે. વિકેટ પાછળ ઊભા રહીને ધોની જે રીતે ટીમને ગાઇડ કરે છે તે હંમેશાં ક્રિકેટચાહકો અને નિષ્ણાતો માટે આકર્ષક રહે છે.
 
ચેન્નાઈ સુપરકિંગ્સની બૉલિંગ પણ એટલી જ અસરકારક છે. તુષાર દેશપાંડે ક્યારેક વધારે રન આપી દે છે પરંતુ તેમને સતત વિકેટો પણ મળતી રહે છે.
તેમની સાથે સાથે અનુભવી રવીન્દ્ર જાડેજા છે. જે કદાચ દેશપાંડેની માફક વિકેટો ખેરવતા નહીં હોય પરંતુ તેઓ રન આપવામાં આ આઈપીએલના સૌથી કંજૂસ બૉલર છે. જાડેજાએ 19 વિકેટ ખેરવી છે અને તે અન્ય બૉલરો કરતાં ઓછા રન આપે છે.
 
આ ઉપરાંત પથિરાણા છે જેમનામાં લસિત મલિંગાના ગુણો ઊતરેલા છે. તેઓ મલિંગાની માફક બૉલિંગ કરે છે અને તેમના કેટલાક યૉર્કર ઘાતક હોય છે. ખાસ કરીને અંતિમ ઓવરોમાં પથિરાણા વધારે મુશ્કેલ બની જતા હોય છે.
 
બેટિંગમાં ચેન્નઈ સુપરકિંગ્સ પાસે ઋતુરાજ ગાયકવાડ અને ડેવોન કોનવેના સ્વરૂપમાં અદ્ભુત ઓપનિંગ જોડી છે. આ બંનેએ ચેન્નઈ માટે સીઝનમાં સૌથી વધારે રન ફટકાર્યા છે. શિવમ દૂબે જેવા ખતરનાક આક્રમક બૅટ્સમૅન પણ ચેન્નઈ પાસે છે તો અજિંક્ય રહાણે સીઝનના પ્રારંભ જેવું ફૉર્મ જાળવી શક્યા નહીં હોવા છતાં તેના અનુભવના જોરે તેઓ ગમે ત્યારે આક્રમક બની શકે છે.
 
અને, આ તમામ ઉપરાંત છેલ્લી ઓવરો માટે ધોની છે. જેમની બેટિંગ તો દૂર એકાદ બૉલ રમવાનો પણ તેમને મોકો મળે તેમની પ્રેક્ષકો રાહ જોતા હોય છે.
આમ રવિવારે બે લગભગ સમાન તાકાત ધરાવતી ટીમો આમને-સામને થનારી છે. જોવું રસપ્રદ બની રહેશે કે ગુરુ ધોની સફળ થાય છે કે તેની પાસેથી જ કેટલાક પદાર્થપાઠ શીખેલા શિષ્ય હાર્દિક સફળ થાય છે. બંને સંજોગોમાં એક રોમાંચક મૅચ નિહાળવા મળવાની છે તે નક્કી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર