સોમવાર, 20 જુલાઈ 2015 (12:38 IST)
અસ્તાચળે એક વૃક્ષ ભૂતકાળ વાગોળી રહ્યું છે
અહા, કેવા હતા એ દિવસો હર્યા ભર્યા!
કિલ્લોલ કરતાં એ ભુલકાંઓ
ગાતાં, રમતાં, મસ્તી કરતાં
મારે પણ બાળપણ હતું!
કુમળું થડિયું, મજાનાં ફૂલ, પતંગિયાંની ઉડાઉડ
બેફીકરા કિશોરોની ધીંગામસ્તી
મારી છાયામાં વિરામતી રખડપટ્ટી
મને પણ પ્રતીક્ષા રહેતી એ અલગારીઓની
મારા મજબુત બાંધા પર થતી કૂદાકૂદની
છાના છપના મળતા પેલા યુવા પંખીડાઓ
મીઠી શરારતો, ઠાલું શરમાવું
કેટલાય સ્વપનો જુટતા અને તુટતા મેં જોયા
મારેય મહેકતી વસંત હતી
કેટલાયે પંખી અહીં વસી ગયા
પનીહારીઓના ઝાંઝરનો ઝણકાર
નિત નવાં નખરાં ને ખીખીયારીઓ
ગામ આખાની કુથલી મેં કરી છે
ધ્રુજતા બોખા અદાઓનો અડ્ડો
અલકમલકની વાતો અને ગામ ગપાટા
કેટલીયે જીન્દગી વિશ્રામતી મેં જોઈ છે
હવે...
હવે અહીં કોઈ ઢુંકતું નથી
મારી સામે કોઈ જોતું નથી
ક્યાં ગયાં પેલાં ટાબરિયાંઓ?
પેલા રખડતા છોકરાઓ?
પેલાં સ્વપ્નીલ હૈયાંઓ?
પેલી અલ્હડ હરખઘેલીઓ?
ચાસ પડેલા પેલા ભાભાઓ?
કોરાણે મુકાયેલા મારી વાત પણ સાંભળો...
ભલે હું ઠુંઠું થડિયું કહેવાઉં
મારામાં ઝાડ હજી જાગે
જીવતરની આશ મને લાગે
- તુષાર જ. અંજારિયા