ખેડૂતોને મગફળીનો પુરતો ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકારશ્રી દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવે છે. દર વર્ષે લાખોની સંખ્યામાં ખેડૂતોની મગફળીની ખરીદી કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું હતું. અને દશેરા પછી એટલે કે આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે.
ગોડાઉન મેનેજર સોમેશ ઓડેદરાએ જણાવ્યું હતું કે, પ્રથમ દિવસે એસએમએસ દ્વારા ૧૫ ખેડૂતોને બોલાવવામાં આવ્યા હતા. જેમાં ૫ ખેડુતો મગફળી લઇને આવ્યા હતા. જેની મગફળીની ખરીદી કરવામાં આવી હતી. કાલે અન્ય ખેડૂતોને બોલાવવામાં આવશે. ખેડૂતોની મગફળીનું સેમ્પલ લઇ તપાસ કરી બાદમાં તેની ખરીદી કરાઇ છે.
જૂનાગઢ માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી પી.એસ.ગજેરાએ જણાવ્યું હતું કે, યાર્ડમાં પણ મગફળીની ખરીદી શરૂ છે. છેલ્લા મહિના સુધીમાં ૧ લાખથી વધુ ગુણીની ખરીદી થઇ ચુકી છે. આજે ૫૦૦૦ જેટલી ગુણીની આવક થઇ હતી. યાર્ડનો ભાવ મગફળી જીણી મણના ૭૦૦ થી ૧૦૨૫ અને મગફળી જાડીના ૭૧૦ થી ૧૦૭૬ રૂપિયા સુધીનો છે. યાર્ડમાં આવતા ખેડૂતોને પણ મગફળીનો સારો ભાવ મળી રહેતા આવકમાં દિવસને દિવસે વધારો થઇ રહ્યો છે.