ક્યારે મળશે મોંઘવારીમાંથી છુટકારો ? પેટ્રોલના ભાવ ફરી વધશે !!

મંગળવાર, 15 મે 2012 (10:53 IST)
P.R
જો તમે મોંઘવારીમાંથી રાહત મેળવવાની આશા લગાવી બેઠા છો તો આ આશા બાજુએ મૂકી દો. ઓઇલ કંપનીઓ ખૂબ જલદી પેટ્રોલના ભાવ વધારવાની છે. કંપનીઓ આ મહિને સંસદના બજેટ સત્રની સમાપ્તિ બાદ ભાવમાં વધારો કરવાનું આયોજન કરી રહી છે. આટલું જ નહીં, પ૦૦૦ કરોડ રૂપિયાના નુકસાનની ભરપાઇ કરવા માટે તેઓ દર પખવાડિયે આ ભાવ રિવાઇઝ પણ કરશે. હકીકતમાં ડિસેમ્બર ર૦૧૧ બાદ રાજનૈતિક દબાણને લીધે નુકસાન વેઠીને પણ સરકારી કંપનીઓએ પેટ્રોલના ભાવમાં વધારો નથી કર્યો.

અત્યાર સુધી ઓઇલ મંત્રાલયે તેલ કંપનીઓને કેબિનેટના નિર્ણય મુજબ પેટ્રોલના ભાવ બજારભાવને અનુલક્ષીને નક્કી કરવાની આઝાદી નથી આપી. મંત્રાલય રાજનૈતિક માહોલ જોઇને અનૌપચારિ ક રીતે કંપનીઓને ભાવ વધારવાના નિર્ણયને ટાળવા જણાવતું રહ્યું છે. ઇન્ડિયન ઓઇલ, હિંદુસ્તાન પેટ્રોલિયમ અને ભારત પેટ્રોલિયમના ઉચ્ચર અધિકારીઓએ જણાવ્યું કે, “હાલમાં કંપનીઓ પેટ્રોલના ભાવમાં ૭ રૂપિયા પ્રતિ લિટરનો વધારો કરીને પેટ્રોલના ભાવ બજાર કિંમતની બરાબર લાવવા માગી રહી છે. આ બાદ તેઓ ઓછામાં ઓછો એક રૂપિયા પ્રતિ લિટરનો વધારો કરીને જૂના નુકસાનની ભરપાઇ કરવા ઇચ્છે છે.”

ઓઇલ કંપનીના ચેરમેને નામ જાહેર ન કરવાની શરતે કહ્યું કે, “સરકાર અમને પેટ્રોલ પર થનારા નુકસાનની ભરપાઇ આપવા નથી માગતી. અમે સતત નુકસાન વેઠી શકીએ નહીં. આનો થોડો બોજ અમારે ગ્રાહકો પર નાખવો પડશે.”

ઓઇલ મંત્રાલયના અધિકારીઓ પણ આ વખતે કંપનીઓની પડખે ઉભા રહેલા જણાઇ રહ્યા છે. ઓઇલ મંત્રાલયના એક અધિકારીએ કહ્યું કે, “ઓઇલ પીએસયુની માગણી યોગ્ય છે. કાં તો સરકાર તેમના નુકસાનની ભરપાઇ કરે અથવા તો પોતાની રીતે નુકસાનની ભરપાઇ કરવાની મંજૂરી આપે.”

વેબદુનિયા પર વાંચો