ગુજરાત યુનિવર્સિટીનું 264 કરોડનું બજેટ નક્કી કરાયું, જુની હોસ્ટેલ તોડીને નવી હોસ્ટેલ બનાવાશે

મંગળવાર, 14 ફેબ્રુઆરી 2023 (18:23 IST)
આધાર કાર્ડ અને લર્નિંગ લાઇસન્સ હવે વિદ્યાર્થીઓને યુનિવર્સિટીમાં જ કાઢી અપાશે
વિદ્યાર્થીઓ માટે મેશ અને કેન્ટીનની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે
 
ગુજરાત યુનિવર્સિટીમાં આજે સિન્ડિકેટની બેઠક યોજાઈ હતી. જેમાં યુનિવર્સિટીના વાર્ષિક અહેવાલ અંગે ચર્ચાઓ કરાઈ હતી. યુનિવર્સિટીના ગત વર્ષના બજેટની ચર્ચા કરીને ચાલુ વર્ષનું બજેટ નક્કી કરવામાં આવ્યું હતું. આ વર્ષે યુનિવર્સિટીમાં 264 કરોડનું બજેટ નક્કી કરાયું હતું. જેમાં સામાન્ય ખર્ચ સિવાય અન્ય ખર્ચ માટેની જોગવાઈઓ કરવામાં આવી છે. તે ઉપરાંત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને લર્નિંગ લાયસન્સ અને આધારકાર્ડ પણ કાઢી આપવાની જોગવાઈ કરવામાં આવી છે. કુલ બજેટમાંથી 241 કરોડની આવકની જોગવાઈ કરવામાં આવી છે. 
 
કેન્ટીનની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરાશે
આ બજેટમાં વિદ્યાર્થીલક્ષી કામ પણ કરવામાં આવશે. નવી શિક્ષણ નીતિ મુજબ કેટલાક નવા કોર્ષ અને જૂના કોર્ષમાં ફેરફાર પણ કરવામાં આવશે.ગુજરાત યુનિવર્સિટીમાં અનેક વિદ્યાર્થીઓ વાહન લઈને આવે છે. હવે કેમ્પસમાં જ વિદ્યાર્થીઓ માટે આધાર કાર્ડ અને લર્નિંગ લાઇસન્સ માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. યુનિવર્સિટી પરિસરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નવી સુવિધાનો લાભ મળશે. નવા વર્ષમાં વિદ્યાર્થીઓ માટે મેશ અને કેન્ટીનની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. 
 
યુનિવર્સિટીમાં નવી હોસ્ટેલ બનાવવામાં આવશે
યુનિવર્સિટીના વિવિધ ભવનોના બજેટમાં 20 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. યુનિવર્સિટીની હોસ્ટેલ સંપૂર્ણ તોડીને નવી હોસ્ટેલ બનાવવામાં આવશે. તે ઉપરાંત અનેક વિભાગોમાં જરૂરી રીપેરીંગ કામ કરવામાં આવશે. આ ઉપરાંત ડિજિટલાઇઝેશન માટે પણ બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત યુનિવર્સિટી દ્વારા દર વર્ષે જે સામાન્ય ખર્ચ કરવામાં આવે છે તે ખર્ચ થશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર