લોકો કહે છે કે કેજરીવાલ ફ્રીની રેવડી વહેંચે છે, તો 15 લાખવાળો પાપડ કોણે વેચ્યો?

બુધવાર, 30 નવેમ્બર 2022 (12:23 IST)
ગુજરાતમાં પ્રથમ તબક્કાની ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઈ ગયા છે. ત્યારે હવે નેતાઓની નજર બીજા તબક્કાની બેઠકોના મતદારો છે. આ વચ્ચે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને એક પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં 8 મહિનામાં પંજાબની સરકારે માફ કરેલા વીજ બિલ તેઓ લઈને પહોંચ્યા હતા.

ભગવંત માને કહ્યું કે, અમે જે કરીએ છીએ તે કરીએ છીએ. અમે ગુજરાતમાં મફત વીજળી આપવાનો વાયદો આપ્યો છે અને અમે કરીશું. 100 મહોલ્લા ક્લિનિક બની રહ્યા છે. અમે OPSની ગેરંટી આપી હતી. તેનું નોટિફિકેશન આવી ગયું છે, આવનારા દિવસોમાં તેનો ખરડો પસાર કરીને લાગુ કરી દઈશું. અમે ધારાસભ્યોના પેન્શન બંધ કરી દીધા. જેનાથી કરોડો રૂપિયા બચ્યા આ જ પૈસાથી અમે આ કામ કરી રહ્યા છીએ.તેમણે કહ્યું કે, અમે પંજાબમાં 16 નવી મેડિકલ કોલેજો બનાવી રહ્યા છીએ. અમે યુક્રેનથી પાછા આવેલા વિદ્યાર્થીઓને પૂછતા ખબર પડ્યું તેમને 90, 91 ટકા આવ્યા પણ અહીં એડમિશન ન મળતા ત્યાં ગયા હતા. તે 25 વર્ષ પહેલા બનેલો દેશ અને આપણે આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ. તો કોલેજો અમે અહીં બનાવીશું.અમે એમ નથી કહેતા કે અમે તમારા એકાઉન્ટમાં 15-15 લાખ નાખીશું. અમારી સરકાર બનતા જ તમારા મહિને 30 હજારની બચત શરૂ થઈ જશે. અમે 20 હજાર કરોડના પેકેજ નથી આપતા. તેનાથી જનતાને શું મળશે, કોન્ટ્રાક્ટરો-મંત્રીઓનો ફાયદો થશે, અમે તો સીધો લોકોને ફાયદો આપીએ છીએ. આ લોકો કહે છે કે, અરવિંદ કેજરીવાલ ફ્રીની રેવડી વહેંચી રહ્યા છે, તો 15 લાખવાળો પાપડ કોણે વેચ્યો હતો? તેની વાત નથી કરતા. કહે છે, આ તો જુમલો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર