16મીનાં 11-12 વાગ્યા સુધીમાં તો ચિત્ર સ્પષ્ટ થઇ જશે

ગુરુવાર, 15 મે 2014 (14:48 IST)
૧૬ મેના સવારે ૮ વાગ્‍યે ૯૮૯ મત ગણતરી મથકોમાં લોકસભા ચૂંટણીમાં મત ગણતરી શરૂ થઇ જશે. ચૂંટણી પંચના અધિકારીઓએ જણાવ્‍યુ છે કે સાડા આઠ વાગ્‍યા સુધીમાં તો લગભગ તમામ કેન્‍દ્રો પરથી પ્રવાહો જાણી શકાશે અને સવારનાં ૧૧ વાગ્‍યા સુધીમાં તો આગામી સરકાર વિશેનું સ્‍પષ્‍ટ ચિત્ર ઉપસવા માંડશે. બપોરના ૩-૪ વાગ્‍યા સુધીમાં મત ગણતરી પુર્ણ થઇ જશે અને ચૂંટણીનું અંતિમ પરિણામ બહાર પડી જશે.
 
   મત ગણતરીની પુર્વ તૈયારીઓ સવારના પાંચ વાગ્‍યાથી શરૂ થઇ જશે. જીલ્લા ચૂંટણી અધિકારી અને નિરિક્ષકો ત્‍યારબાદ મત ગણતરીના અધિકારીઓને પાઇચ્‍છિક ઢબે જે તે ટેબલ અને મત વિસ્‍તારની ગણતરીની જવાબદારી સોંપાશે.
 
   સવારના આઠ વાગ્‍યાથી મતગણના શરૂ થશે. જેમાં સહુ પ્રથમ પોસ્‍ટલ બેલોટસની ગણતરી થશે. તેના અંદાજે અડધી કલાક બાદ ઇવીએમના મતોની ગણના શરૂ થઇ જશે.
 
   જે તે મતવિસ્‍તારના ઉમેદવાર મતગણના કેન્‍દ્રમાં હાજરી રહી શકશે પણ તેમના સુરક્ષા કર્મીઓને અંદર પ્રવેશવાની મનાઇ ફરમાવવામાં આવી છે.
 
   તમામ મત ગણતરીની ચકાસણી કાઉન્‍ટીંગ ઓફિસર, રીટર્નીંગ ઓફિસર અને ત્‍યારબાદ કમ્‍પાયલીંગ ઓફિસર કરે છે અને ત્‍યારબાદ અંતિમ પરિણામ રિટર્નીંગ ઓફિસર જાહેર કરે છે.
 
   સવારના ૧૧ વાગ્‍યા સુધીમાં કયો પક્ષ સરકાર રચવાની રેસમાં આગળ નીકળી રહ્યા છે તે સ્‍પષ્‍ટ રીતે જાણી શકાશે તેવુ ચૂંટણી પંચના અધિકારીઓએ જણાવ્‍યુ છે.

વેબદુનિયા પર વાંચો