1414 કરોડના ક્રિકેટ સટ્ટા રેકેટમાં હવાલાથી પૈસા દુબઈ મોકલવાનું કામ અમદાવાદથી થતું

સોમવાર, 6 ફેબ્રુઆરી 2023 (13:17 IST)
ક્રિકેટ મેચના રૂ.1414 કરોડના સટ્ટા રેકેટમાં અમદાવાદના બે આરોપી કર્મેશ પટેલ અને હરિકેશ પટેલ ડમી બેંક એકાઉન્ટ ખોલાવવાનું તેમ જ હવાલા મારફતે સટ્ટાના પૈસા દુબઈ મોકલવાનું કામ કરતા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. જોકે ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાતાની સાથે જ બંને અંડરગ્રાઉન્ડ થઇ ગયા છે, જેથી બંને પકડાયા બાદ જ આગળની કડીઓ મળે તેમ હોવાથી બંનેની શોધખોળ શરૂ કરાઈ છે.

સટ્ટાના રૂપિયા હવાલા મારફતે દુબઈ મોકલવાના કૌભાંડમાં ક્રાઈમ બ્રાંચે રાકેશ રાજદેવ ઉર્ફે આર.આર, ખન્ના, આશિક પટેલ, કર્મેશ પટેલ અને હરિકેશ પટેલ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે, જેમાંથી આર.આર, ખન્ના અને આશિક દુબઈ હોવાનું જાણવા મળ્યું છે, જેથી તે ત્રણેય વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરાઈ છે. ક્રાઇમ બ્રાંચના અધિકારીઓનું કહેવું છે કે, આ આખા રેકેટમાં આર.આર.એ ઓન વોલ્સ 777 નામની એપ બનાવડાવી હતી. જુદા જુદા બુકીઓ પાસેથી ડિપોઝિટ લઈ આર.આર. આ એપનું આઈડી અને પાસવર્ડ આપતો હતો, જેના પર બુકીઓ ઓનલાઇન સટ્ટો રમતા હતા. જ્યારે આ એપમાં લોગ ઇન કરનારા બુકીઓ પાસેથી પૈસા જુદા જુદા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થતા હતા. તે તમામ બેંક ખાતાં એકાઉન્ટ ડમી હતાં. આ તમામ ડમી બેંક એકાઉન્ટ કર્મેશ પટેલ અને હરિકેશ પટેલે ખોલાવડાવ્યાં હતાં. આટલું જ નહીં આ એકાઉન્ટમાં ટ્રાન્સફર થયેલા પૈસા આ બંને જણ હવાલા મારફતે દુબઈ મોકલતા હતા, જેથી આ આખા રેકેટની સૌથી મોટી કડી હરિકેશ અને કર્મેશ હોવાનું ક્રાઇમ બ્રાંચના અધિકારીઓનું કહેવું છે, જેથી આ બંને પકડાયા બાદ જ વધુ માહિતી મળી શકે તેમ છે. ​​​​​​​દુબઈથી ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક ચલાવતા રાકેશ રાજદેવ ઉર્ફે આર. આર.એ દેશભરમાં બુકીઓનું નેટવર્ક ઊભું કર્યું હતું.

ક્રાઇમ બ્રાન્ચે ચાર મહિના પહેલાં સોલામાંથી બુકી મેહુલ પૂજારાની ધરપકડ કરી હતી. જ્યારે આર.આર.ના નેટવર્કની તપાસ કરવા ક્રાઇમ બ્રાન્ચે અન્ય એજન્સીઓની તેમ જ રાજ્ય બહારની પોલીસની પણ મદદ લીધી છે. ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમાડવા માટે આર.આર.એ ઓન વોલ્સ 777 નામની એપ બનાવડાવી હતી, જે પણ બુકી સટ્ટો રમવા માગતો હોય તેને યુઝર આઈડી અને પાસવર્ડ આપી આર.આર. સટ્ટો રમાડતો હતો. જોકે આ એપની પણ સાઇબર ક્રાઈમ અને એફએસએલના નિષ્ણાતોએ ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર