ગુજરાતમાં અત્યાર સુધી ક્યારેય ન નોંધાયા હોય તેવાં એક જ દિવસમાં કોરોનાના વિક્રમી 580 કેસ રવિવારે નોંધાયા હતાં. આ સાથે ગુજરાતમાં હવે કોરોના પોઝિટિવ આવેલાં કુલ લોકોનો આંક 27,317 પર પહોંચ્યો છે. તેની સામે રવિવારે જ 655 દર્દીઓ સાજા થઇને ઘરે ગયાં છે અને આમ 19,357 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. હાલ ગુજરાતમાં એક્ટિવ દર્દીઓનો આંક 6,296 છે, જેઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ગુજરાતમાં હાલ રીકવરી રેટ 70.89 ટકા પર પહોંચ્યો છે, જ્યારે દર દસ લાખે 402 લોકો ગુજરાતમાં કોરોનાના સંક્રમણની અસર હેઠળ આવી ગયાં છે. રાજ્યમાં મૃત્યુદર ફરી થોડો ઘટીને 6.09 ટકા પર આવ્યો છે. રવિવારે ગુજરાતમાં વધુ 25 લોકોના કોરોનાને કારણે મૃત્યુ થયાં તે પૈકી અમદાવાદમાં 20, સુરતમાં 3 જ્યારે અરવલ્લી અને છોટા ઉદેપુરમાં 1-1 વ્યક્તિના મોત નિપજ્યાં છે. હાલ 59 દર્દીઓની હાલત ગંભીર હોવાથી તેઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 2.23 લાખ લોકો ક્વોરન્ટાઇન છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 3.24 લાખ ટેસ્ટ કરાયાં છે. અમદાવાદ બાદ સુરત જિલ્લામાં પણ કેસોમાં ઉત્તરોત્તર વધારો આવી રહ્યો છે. સુરત શહેરમાં છેલ્લા બે દિવસથી પોઝિટિવ કેસનો આંકડો 100થી વધુ આવી રહ્યો છે. આજે નોંધાયેલા કેસોમાં અમદાવાદમાં ઘણા લાંબા સમય બાદ 300થી નીચે 273 કેસ નોંધાયા છે તો સુરતમાં આજે 176 કેસ નોંધાયા છે. અમદાવાદમાં 16 જૂને 332 કેસ નોંધાયા હતા. ત્યારબાદ શહેર-જિલ્લામાં દરરોજ નોંધાતા કેસોમાં સતત ઘટાડો આવ્યો છે, જે અનુક્રમે, 17 જૂન 330, 18 જૂન 317, 19 જૂન 312, 20 જૂન 306 અને 21 જૂન 273 કેસ નોંધાયા છે. એવી જ રીતે સુરત શહેર જિલ્લામાં 19 જૂનથી દરરોજ નોંધાતા કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. 19 જૂને 93 કેસ નોંધાયા હતા, ત્યારબાદ 20 જૂન 106 અને 21 જૂને 176 કેસ નોંધાયા છે.